અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં (Gujarat Vidhyapith) ૧૫ વર્ષ કુલનાયક તરીકે અને ૩૨ વર્ષ કુલપતિ તરીકે સેવાઓ આપનાર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ગુજરાતના (Gujarat) સપૂત સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈની જન્મજયંતીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સ્વ. મોરારજીભાઈ દેસાઈના સમાધિસ્થાન-અભયઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓને આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ઉર્જા, આત્મવિશ્વાસ, દ્રઢ ઈચ્છાશક્તિ અને સહિયારા પ્રયત્નોથી પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી મોરારજીભાઈ દેસાઈએ દાખવેલા મૂલ્યો પર ચાલીને ગુજરાત વિદ્યાપીઠને નવી બુલંદીઓ પર લઈ જઈએ. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ તેમના આહ્વાનને હર્ષોલ્લાસપૂર્વક વધાવી લીધું હતું.
ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ અને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’થી સન્માનિત સ્વ. મોરારજીભાઈ દેસાઈની જન્મજયંતીના અવસરે કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠ ગાનનું લોકાર્પણ કર્યું હતું.
આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, નાનપણથી જ ઘરની જવાબદારીઓ સંભાળનાર મોરારજીભાઈ દેસાઈ મહેનત અને પરિશ્રમથી ભારતના પ્રધાનમંત્રી બન્યા. સાદગી અને સાત્વિક જીવનથી આ મહામાનવે ભારતીય જીવન મૂલ્યોના આધારે ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવીને સફળતાના શિખરો સર કર્યા. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન સ્વરૂપ, ભવ્યતા, ગરિમા અને ગૌરવ વધારવામાં તેમણે સર્વાધિક યોગદાન આપ્યું છે.
ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલય બે એકમમાં વહેંચાયેલ છે. જેમાં પ્રથમ એકમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભારતના પૂર્વ વડાપ્રધાન અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજીભાઈ દેસાઈ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. જેમાં મોરારજીભાઈ દેસાઈના વસ્ત્રો, રેંટિયો અને વર્ષ ૧૯૯૧ દરમિયાન મળેલ ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન’ અને પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર ‘નિશાને પાકિસ્તાન’ ને નિહાળી તેમણે ગર્વની અનુભૂતિ કરી હતી. તેઓએ ભગવાન બુદ્ધની પ્રતિમા, નાગાલેન્ડની કલાત્મક વસ્તુઓ, અન્ય દેશોમાંથી મળેલી ભેટો, પ્રાચીન સિક્કાઓ અને ૧૯૫૬માં મુંબઈના લોકો દ્વારા મળેલ અર્જુનરથનાં દર્શન કર્યા હતા.
બીજા એકમમાં ગુજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને તેનો વારસો જે ત્રણ દીર્ઘામાં છે, પ્રથમ ખંડમાં ૧૦ જુદા જુદા પ્રકારના રેંટિયાઓ, ગૂજરાત વિદ્યાપીઠનું પ્રતીક, ઠરાવ, પાયાની ઈંટ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિઓ તેમજ ગાંધીજી અને અન્ય મહાનુભાવોની અલભ્ય તસવીરો રાજ્યપાલએ નિહાળી માહિતી પ્રાપ્ત કરી હતી.