Gujarat

ધો. 1થી 8માં ફરજિયાત ગુજરાતી નહીં ભણાવતી શાળાની માન્યતા રદ કરાશે

ગાંધીનગર : રાજ્યની તમામ શાળાઓમાં (School) ધોરણ-1 થી ધોરણ-8ની સ્કૂલોમાં ગુજરાતી ભાષા (Gujarati Langusge) ફરજિયાત ભણાવવા અંગેનું એક વિધેયક આવતીકાલે રાજ્ય વિધાનસભામાં આવી રહ્યું છે, જેના કારણે કસૂરવાર શાળા સંચાલકો સામે કડક સજા અને દંડ એમ બંને પગલાં લેવાશે.ખાસ કરીને શાળાની માન્યતા રદ કરી દેવાની વિધેયકમાં મહત્વની જોગવાઈ કરાઈ છે.

ગુજરાતની કેટલીક ખાનગી શાળાના સંચાલકો ગુજરાતી ભાષા નહીં ભણાવતા હોવાની ફરિયાદો તેમજ ગુજરાત હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે વિધાનસભામાં વિધેયક લાવવા કેબિનેટની મંજૂરી મેળવી હતી અને હવે આ વિધેયક આવતીકાલે 28મી ફેબ્રુઆરીએ સભાગૃહમાં આવી રહ્યું છે.

જે શાળાઓ ગુજરાતી ભાષાનો અભ્યાસ કરાવતી ન હોય તેમને દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે. પ્રથમ બે વખત દંડ અને ત્યારબાદ ત્રીજીવખત પ્રતિદિન દંડની જોગવાઇ રહેશે. આ વિધેયકમાં સીબીએસઇ અને ઇન્ટરનેશનલ સ્કૂલોને પણ આવરી લેવામાં આવી છે. ધોરણ-1 ધી ધોરણ-8માં ગુજરાતી ભાષા ફરજિયાત પણ ભણાવવાની રહેશે.

સરકારના સિનિયર કેબિનેટ પ્રવક્તા ઋષિકેશ પટેલે અગાઉ એવું કહ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા બાબતે અનેક સાહિત્યકારોની રજૂઆત સરકારને મળી છે તેથી અમે વિધેયક લાવવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં પણ તેનો અમલ શરૂ કરવાશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે.

આવતી કાલે વિધાનસભાની બે બેઠકો યોજાવાની છે ત્યારે પહેલી બેઠકમાં સરકારના શિક્ષણ મંત્રી ગુજરાત ફરજિયાત ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક દાખલ કરશે જેની પર સભાગૃહમાં ચર્ચાને અંતે મંજૂરી આપવામાં આવશે. આવતીકાલથી રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પ્રારંભ પણ થવાનો છે.

વિધેયકની મહત્વની જોગવાઈ

  1. પ્રથમ વખત નિયમોનો ભંગ કરવાની શાળાઓને 50,000નો દંડ.
  2. તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ-8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે.
  3. રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે.
  4. બીજી વખત નિયમોના ભંગ બદલ 1,00,000નો દંડ
  5. ત્રીજી વખત નિયમોના ભંગમાં 2,00,000નો દંડ
  6. ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ કરાશે
  7. વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ છે.
  8. અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે.
  9. દંડની રકમમાં સક્ષમ અધિકારી વધારો-ઘટાડો કરી શકશે.
  10. ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે.
  11. સીબીએસસીની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ.
  12. સ્કૂલો અભ્યાસક્રમ શરૂ ન કરે તો તેને સજા કરતાં પહેલાં સાંભળવાની રહેશે.
  13. બિન ગુજરાતી વિદ્યાર્થી માટે માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ.

Most Popular

To Top