Gujarat

મેડિકલ સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર, MBBSની ફીમાં સરકારે કર્યો ઘટાડો

ગાંધીનગરઃ વાલી-વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ આખરે રાજ્ય સરકાર ઝુકી છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS)ની મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો જાહેર કરાયો છે.

આ અગાઉ મુખ્યમંત્રીની જાણ વિના જ 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજોની ફીમાં કમરતોડ વધારો ઝીંકી દેવાયો હતો, જેના લીધે રાજ્યભરમાં ભારે વિરોધ થયો હતો. ચારેતરફથી વિરોધનો વંટોળ ઉઠતા ગયા સોમવારે ગાંધીનગરમાં ફી વધારા મામલે એક બેઠક મળી હતી. આરોગ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી તે બેઠકમાં વિદ્યાર્થી, વાલી, નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન, સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રતિનિધિઓ ભેગા થયા હતા. તે બેઠકમાં ફી વધારાના મુદ્દાની સાથે સાથે જીએમઈઆરએસની કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિ સામે પ્રશ્નો ઉભા કર્યા હતા.

દરમિયાન આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે.

28 જૂને 13 મેડિકલ કોલેજમાં ફી વધારો થયો હતો
આ અગાઉ ગઈ તા. 28 જૂને ગુજરાત રાજ્યની સરકારે જીએમઇઆરસી સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો જાહેર કર્યો હતો. ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત ગુજરાતમાં 13 મેડિકલ કોલેજની સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઇ ક્વોટાની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.

જીએમઇઆરએસના સીઇઓ કહે છે કે આ ફી વધારો વર્ષ-2024-25માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાગુ પડવાનો હતો. જોકે, ફીમાં વધારો કરાયા બાદ વિરોધનો સૂર ઉઠ્યો હતો. જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જે મેડિકલ કોર્સની ફી અગાઉ 3.30 લાખ રૂપિયા હતી તેના બદલે તેમાં વધારો કરીને 5.50 લાખ ફી કરી દેવાઇ હતી. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી.

Most Popular

To Top