Charchapatra

ગુજરાત સરકારનો નિર્ણય ખોટો નથી

સાત ઘાતકી પાપોમાં ઈર્ષ્યાને સ્થાન આપનાર ભગવાને કેટલાંક હજારો વર્ષો પૂર્વે હિંદુ ધર્મમાં ભાગલા પડાવ્યા. પયગંબર ઇસાઈયાહની દૃષ્ટિએ ‘યાહ્વે અન્ય છે, યાહ્વે અન્ય છે’ની બૂમ એ બ્રિટીશ લેખક કેરન આર્મસ્ટ્રોંગને મતે ભાગલાવાદી બૂમ હતી. ભારતની જેમ ઓલીમ્પસનાં દેવ-દેવીઓ અને ઈજીપ્તની ફિલોસોફીમાં વિશ્વનાં પ્રત્યેક ખૂણામાંથી બુદ્ધિજીવીઓને લાવી વિકાસ કરવાની વાતો હતી. ટી. બી. મેકોલે માનતા કે સંસ્કૃત શિક્ષણ જરૂરી નથી અને તેમણે તે રદ કરાવ્યું હતું. પરંતુ તે પૂર્વે સંસ્કૃત મદ્રેસાઓમાં પણ ભણાવાતું હતું. આપણે યુક્લીડ અને પાયથાગોરસને ભણી બોધયાન, પિંગળ અને આર્યભટ્ટને ન નકાર્યા. આપણને યુરોપની ૪ ઋતુઓ ભણાવવામાં આવી પરંતુ ભારતની ૬ ઋતુઓ વિસરાઈ ગઈ. આ બધું સ્વાતંત્ર્યોત્તર ભારતમાં પણ ચાલતું જ રહ્યું. આપણને તુર્ક, મોગલ અને અંગ્રેજો વિષે જણાવવામાં આવ્યું પરંતુ શિવાજી, રાજેન્દ્ર ચોલા, ક્રિશ્નાદેવ રાયા, રણજીત સીંઘ તેમજ લાલિતાદિત્ય ઈ. અંગે જાણી જોઇને મૌન સેવવામાં આવ્યું. શેક્સપિયર, વર્ડ્સવર્થ અને હોમર જેવાએ કાલિદાસ, થીરુવલ્લુવર, મિર્ઝા ગાલીબ ઈ.નું સ્થાન લઇ લીધું.

એક કાળે ઓક્સફર્ડ અને કેમ્બ્રીજમાં પણ ધાર્મિક જ્ઞાન અપાતું અને અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં તેમ થતું. ગ્રીસ હોમર ભણાવે છે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં અબોરીજીનલ વાતો શીખવાય છે. ઈજીપ્તની શાળા-કોલેજોમાં સિમ્બોલ શીખવવામાં આવે છે તો ગીતા ભારતની શાળાઓમાં કેમ નહિ? ગીતા મહાભારતનો એક ભાગ છે અને રામાયણ અને મહાભારત પાયાનાં મહાકાવ્યો છે. તેઓ પાશ્ચાત્ય અને મધ્ય પૂર્વના ધર્મો કરતાં અધિક લિબરલ છે. પ્યુ ના હાલના જ એક રિસર્ચમાં જણાવવા મળ્યું કે કે, ભારતીય મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના બહુમતી લોકો ગીતાની ધર્મ અને કર્મની વાત માને છે. સૌને નવી લાગે એવી વાત છે કે, ૧૮ મા શતક સુધી ગુરુકુળમાં જ નહિ, પરંતુ મદ્રેસાઓમાં પણ ગીતા ભણાવાતી હતી. ભારતીય સંવિધાનનાં પાનાઓ પર નંદલાલ બોઝે રામાયણ અને મહાભારતનાં ચિત્રો દોર્યાં હતાં, કારણ કે ૧૫ સ્ત્રીઓ અને ૨૮૪ પુરુષો અવગત હતાં કે, ભારતનું સંવિધાન ૧૯૪૭ માં નહોતું ઘડાયું પરંતુ યુગો પુરાણું હતું. અનેક ઠેકાણે બાઈબલમાંથી લેવાયેલ વાતો ભણાવાય છે, તો ગીતાનું જ્ઞાન ભારતનાં છાત્રોને શા માટે નહિ? મેકોલેએ કરેલ નુકસાનને ભરપાઈ કરવાનો સમય આવી ગયો છે. ગીતા આપણી છે. પરાઈ નથી. ગુજરાત સરકારનો નિર્ણય ખોટો નથી.
બારડોલી -વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top