ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવાના ઈરાદે રાજ્ય સરકારે 31 માર્ચ 2026 સુધી ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકા ટેક્સની છૂટ જાહેર કરી છે. આ સાથે જ હવે ઈવી પરનો ટેક્સ 6 ટકાથી ઘટીને માત્ર 1 ટકા થઈ ગયો છે. ટેક્સ રાહતના પગલે ઈવી ખરીદનારાઓને 50 હજાર સુધીનો ફાયદો થશે.
રાજ્ય સરકારે ઈવી પર 6 ટકાના બદલે 1 ટકા ટેક્સ વસૂલાતનો આદેશ જાહેર કર્યો છે, જેને પગલે હવે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ પર આરટીઓમાં 1 ટકા ટેક્સ જ વસૂલવામાં આવશે. આ ટેક્સ રાહતના પગલે વાહનચાલકોને ફાયદો થશે. ઈવી કાર ખરીદનારાઓને 30 હજારથી 1 લાખ સુધીનો ફાયદો થશે. રાજ્ય સરકારની આ જાહેરાતના પગલે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યના નાગરિકોએ હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલા વાહન ચાલકોને સીધો જ ટેક્સ બેનિફિટ પાસઓન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે.
ઈલેક્ટ્રિક વ્હીકલ પરનો 6 ટકા ટેક્સ હવેથી 1 ટકા લેખે જ વસૂલવા આદેશ જારી કર્યો છે. જેને પગલે હવેથી ઈલેક્ટ્રિક વ્હીકલ પર 1 ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે. ટેક્સમાં 5 ટકા છૂટ આપવાથી વાહનમાલિકોને ફાયદો થશે. કાર માલિકોને 30 હજારથી લઈને 1 લાખ સુધીનો સીધો ફાયદો થશે. આ જાહેરાતના પગલે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ફરી વધારો થશે તેવી શક્યતા છે.
10 લાખની કાર પર હવે માત્ર 10 હજાર ટેક્સ
ટેક્સ રાહતનું ગણિત સમજીએ તો રૂપિયા 10 લાખની ઈલેક્ટ્રીક કાર પર 6 ટકાના લેખે 60 હજાર ટેક્સ ચૂકવવો પડતો હતો, જે હવે 1 ટકાના દરે માત્ર 10 હજાર ચૂકવવાનો રહેશે. આમ ઈલેક્ટ્રીક કાર ખરીદનારને સીધો જ 50 હજારનો ફાયદો થશે.
સબસિડી બંધ થતાં વેચાણ 50 ટકા જેટલું ઘટ્યું
ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ વધે તે માટે સૌથી પહેલા ટુ વ્હીલરને 25 હજાર સબસિડી અને 15 લાખથી ઓછી કિંમતના ફોર વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આપી હતી. છેલ્લા એક વર્ષથી આ સબસિડી બંધ કરી દેવામાં આવી છે. સબસિડી બંધ થયા બાદ ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.