ગાંધીનગર: ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની આજે તા. 19 જૂનની સવારે અચાનક તબિયત બગડી હતી. 70 વર્ષીય ભીખુસિંહ તેમના ગાંધીનગરના નિવાસ સ્થાને સવારે ચા નાસ્તો કરી રહ્યાં હતાં ત્યારે અચાનક તેમનું બ્લ્ડ પ્રેશર વધી ગયું હતું. તેમને તાત્કાલિક યુએન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ કહ્યું કે, ભીખુસિંહને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ભીખુસિંહ પરમારની રાજકારણમાં 27 વર્ષ લાંબી સફર ખેડી છે. સરપંચથી રાજ્ય કક્ષાના મંત્રી સુધી તેઓ પહોંચ્યા છે. તેઓ પાંચ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. 1995માં પહેલીવાર મોડાસા સીટ પરથી લડ્યા હતા. 2002માં અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. 2007માં બસપામાંથી મોડાસા સીટ પર ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા હતા. 2017માં ભાજપમાંથી મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યા ત્યારે પણ હાર્યા હતા. 2022માં ભાજપે ફરી ભીખુસિંહને ટિકિટ આપી હતી. આ વખતે તેઓ જીત્યા હતા. પહેલીવાર ધારાસભ્ય બનેલા ભીખુસિંહ પરમારને ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીમાં સ્થાન મળ્યું હતું.