ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી કમ મંત્રી, ૯૯૮ જુનિયર ક્લાર્ક, ૭૨ નાયબ સેક્શન ઓફિસર, ૫૮ અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા ૧૭ હવાલદાર મળીને સમગ્રતયા ૪,૧૫૯ નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂંકના પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. પટેલે આ સમારંભમાં રાજ્ય સરકારમાં નવી નિમણૂંક મેળવી રહેલા ૪,૧૫૯ જેટલા યુવાઓને નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંવાહક બનવા પ્રેરક આહવાન કર્યું છે.
- રાજ્યમાં 4159 યુવાઓને સરકારી લોટરી લાગી, 3014 તલાટી સહિતના હોદ્દાઓ પર નિમણૂંક
- સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા 998 જુનિયર ક્લાર્ક, 72 નાયબ સેક્શન ઓફિસર સહિતના પદો પર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નિમણૂંક પત્રો અપાયા
પટેલે નવી નિમણૂંક મેળવી રહેલા આ યુવા કર્મીઓને દિપાવલી પર્વના પ્રારંભિક દિવસોમાં આ રોજગાર અવસર આર્થિક ઉજાસનો આધાર બન્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે. ગુજરાતની આ ગુડ ગવર્નન્સ અગ્રેસરતાથી વિકાસની ગતિ વધુ સારી રીતે આગળ લઈ જવામાં પંચાયત સેવાના પાયાના કર્મચારી તરીકે નવનિયુક્ત કર્મયોગીઓની જવાબદારીઓ વિશેષ છે.
આજે નિમણૂંક પામેલા નવા કર્મયોગીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતા કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે, ત્યારે વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનવાની પ્રેરણા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા નવનિયુક્ત કર્મીઓને આપી હતી.