ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra patel) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં લગ્ન પ્રસંગોમાં (Marriage Function) 400 લોકોની જગ્યાએ હવે ફક્ત 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આ ફેરફારો આવતીકાલે 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે. તારીખ 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી આ નિયમ અમલમાં રહેશે. આમ રાજ્ય સરકારે (Government) 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણોમાં ફરી અચાનક ફેરફાર કરતા લગ્ન પ્રસંગોનું આયોજન કરનારા પરિવારો ચિંતામાં મુકાયા છે.
રાજ્યમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા બાબતે વધુ કડકાઈથી અમલ કરાવાશે. સમગ્ર રાજ્યમાં તમામ રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને સમારંભો અને ધાર્મિક સ્થળો પર મહત્તમ 150 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. આ ઉપરાંત જો કોઇ બંધ જગ્યા હોય તો તે સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. કોઇ પણ કાર્યક્રમમાં 150 થી વધારે લોકો એકત્ર નહી થઇ શકે. લગ્ન સમારંભમાં 150 થી વધારે વ્યક્તિઓ હાજર નહી રહી શકે સાથે સાથે DIGITAL ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અત્યાર સુધી લગ્ન પોર્ટલમાં 400 લોકોની હાજરીને પરવાનગી હતી. જો કે હવે તે ઘટાડીને 150 કરી દેવામાં આવતા વર વધુના પરિજનો ચિંતામાં મુકાયા છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય માર્ગદર્શિકા આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે. રાજ્યમાં 8 મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર ઉપરાંત આણંદ અને નડિયાદ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણો યથાવત્ત રાખવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂમાં કોઇ વધારો કે ઘટાડો કરાયો નથી.