ભરૂચ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના 40000 કર્મચારીએ (Employee) પોતાની પગાર, બોનસ, એરિયર્સ, ઓવરટાઈમ, અન્ય એલાઉન્સ સહિતની પડતર 20 માંગો અને STના ખાનગીકરણ સામે રાજ્ય સરકાર (Gujarat Government) સામે 1 મહિનાથી આંદોલન (Movement) કરી રહ્યા છે. અનેક વિરોધ કાર્યક્રમો, રજૂઆતો અને મંત્રણા બાદ પણ સરકાર નહીં માનતાં હવે માસ CLનું શસ્ત્ર ઉઠાવવા જઈ રહ્યા છે. બુધવારે બપોરે 12 વાગે ઘંટનાદ કરી રાતે 12 કલાકથી બસના પૈડાં રોકી દેવાની ચીમકી અપાઇ છે.
ગુજરાત રાજ્ય STના કર્મચારીઓ રાજ્ય સરકાર સામે ખાનગીકરણ અને પડતર પ્રશ્નોને લઈ 16 સપ્ટેમ્બરથી આંદોલન છેડી રહ્યા છે. રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટના માન્ય 3 કામદાર યુનિયનની સંકલન સમિતિએના નેજા હેઠળ 1 મહિનાથી STનું ખાનગીકરણ સહિત 20 મુદ્દાને લઇ રાજ્યવ્યાપી દેખાવો અને તબક્કાવાર આંદોલન કરવામાં આવી રહ્યું છે. ST કર્મચારીઓ જણાવી રહ્યા છે કે, નિગમ અને સરકાર દ્વારા GSRTCના ખાનગીકરણના કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ, મુસાફરો, મહિલાઓ, સિનિયર સિટિઝન સહિતને મળતા લાભો અને કન્સેશન સમાપ્ત થઈ જશે. ગામડાંમાં દોડતી લોકલ એસ.ટી. બસોનું નેટવર્ક ખોરવાઈ જતા ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન મળી શકશે નહીં. ખાનગીકરણથી વહીવટમાં પણ મનમાની અને સરકારને જ નુકસાન થશે તેવો ભય વ્યક્ત કરાયો છે.
સાથે કર્મચારીઓના પગાર, એરિયર્સ, સેટલમેન્ટ, ટી.એ., ડી.એ., ઓવરટાઈમ, આશ્રિતોને નોકરી, ફિક્સ પગારના કર્મચારીઓ સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરાઈ છે. ભરૂચ એસટી વિભાગના એસટી મઝદુર સંઘના પ્રમુખ નવનીત પરમાર, સંજય મહિલેએ જણાવ્યું હતું કે, નિગમ અને સરકારે નિવેડો નહીં લાવતાં રાજ્યના 18 ડિવિઝનના તમામ 40000 કર્મચારીઓ આજે મધરાતથી આંદોલન ઉપર ઉતરશે. સૂત્રોચ્ચારો, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, કલેકટરને રાજ્ય વ્યાપી આવેદનો, ઘંટનાદ છતાં કામદારોના હિતમાં નિર્ણય લેવાયો નથી. બુધવારે સાંજે 6 કલાકથી રાજ્ય વ્યાપી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઊતરી બસો ડેપો, વિભાગીય કચેરીમાં જમા કરાવી દેશે. ST કર્મચારીઓ માસ CL ઉપર ઊતરતા રાજ્યમાં 8500 બસોનાં પૈડાં થંભી જશે.
યુનિફોર્મ, ૭માં પગારપંચનું એરીયર્સ અને ત્રીજો હપ્તો, મોઘવારી ભથ્થું રજાનો પગાર સહિતના પ્રશ્નોના નિરાકરણની માંગ
નવસારી : નવસારી એસ.ટી. ડેપોના કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મેદાનમાં ઉતરવા ઘંટનાદ કર્યો છે. જો સરકાર સાંજ સુધી તેમની માંગણી નહીં સંતોષે તો કર્મચારીઓએ માસ સી.એલ. પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ કર્મચારી મંડળ છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ૨૦૦૮થી યુનિફોર્મ આપ્યો નહીં હોવાથી કર્મચારીઓએ સ્વખર્ચે યુનિફોર્મ બનાવ્યા છે, ૭માં પગારપંચના એરીયર્સ અને ત્રીજો હપ્તો આવ્યો નથી, જુલાઈ ૨૦૧૯થી ૫ ટકા મોઘવારી ભથ્થું મળ્યું નથી, છેલ્લા એક વર્ષથી રજા પગાર મળ્યો નથી, ફિક્સ પગારદારોને માસિક વેતન ૧૯,૫૦૦ રૂપિયાને બદલે ૧૬,૫૦૦ રૂપિયા મળી રહ્યા સહિતના અન્ય પ્રશ્નોના નિરાકરણની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકારે તેમના કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી. જેથી એસ.ટી. ડેપોના કર્મચારીઓ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા હતા. જેથી સરકારે ૨૦ ઓક્ટોબર સુધીમાં તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી. પરંતુ આજે બુધવારે સરકારે કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી સવારે નવસારી એસ.ટી. ડેપોના કેટલાક કર્મચારીઓએ ઘંટનાદનો કાર્યક્રમ યોજી સરકારને સાંજે ૫ વાગ્યા સુધી માંગણી સંતોષ માંગણીઓનો ઉકેલ લાવવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. જો સરકાર તેમની માંગણી નહીં સંતોષે તો કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો એસ.ટી. નિગમના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે તો મુસાફરોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે.
દિવાળી ટાણે મુસાફરોને મુશ્કેલી પડશે
ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તો બીજી તરફ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળી નજીક ખાનગી બસ એજન્સી બસના ભાડામાં વધારો કરી દે છે. ત્યારે ઘણા લોકો સરકારી બસ અને રેલવેનો ઉપયોગ કરે છે. અને તે ભાડામાં પણ પોસાય તેમ છે. ત્યારે જો હાલ દિવાળી ટાણે એસ.ટી. નિગમના કર્મચારીઓ જો માસ સીએલ પર ઉતરશે તો મુસાફરોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.