રાજ્ય સરકાર કોરોનામાં માતા અથવા પિતા કોઈ એકને ગુમાવનાર બાળકોને પણ આપશે સહાય – Gujaratmitra Daily Newspaper

Gujarat

રાજ્ય સરકાર કોરોનામાં માતા અથવા પિતા કોઈ એકને ગુમાવનાર બાળકોને પણ આપશે સહાય

ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા બાળકોને (Child) સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પહેલા સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક 4000 રુપિયાની સહાયની (Contribution Plan) જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. તેથી આવા એક વાલીવાળા બાળકોને માસિક 2000 રુપિયાની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સહાયની રકમ ઓનલાઈન ડી.બી.ટી. દ્વારા ચૂકવવાની યોજના છે. જે અંગેની જાહેરાત સીએમ રુપાણી દ્વારા આગામી બીજી ઓગસ્ટે થશે.

માતા કે પિતા, બેમાંથી એકને ગુમાવનાર બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણના પ્રશ્નો ઉભા થયા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આવા માતા પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને સહાય આપવાની જાહેરાત કરાઈ છે. હવે રાજ્ય સરકાર દ્વારા માતા પિતા બંનેમાંથી કોઈ એકને ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે ‘મુખ્ય મંત્રી બાળ સેવા યોજના’ ની જાહેરાત કરવામાં આવનાર છે. જે અંતર્ગત બાળકોને માસિક 2000 રુપિયા સહાય આપવામાં આવશે.

બાળકોનું બેંક ખાતું હોવું જરૂરી

આશ્રિત બાળકોને આ સહાય સરકાર દ્વારા સીધી તેમના બેંક ખાતામાં ઓનલાઈન જમા કરવામાં આવશે. આથી આવા એક વાલીવાળા બાળકોના બેક એકાઉન્ટ ખાતા તાત્કાલિક ખોલવા જરૂરી છે. 2 ઓગસ્ટે આ યોજનાની જાહેરાત થનાર હોઈ આ માટે જે- તે જિલ્લાના એક વાલી ધરાવતા જે બાળકો છે તેમના બેંક એકાઉન્ટ ઝડપથી ખોલાવવા અંગેની માહિતી સૂત્રો દ્વારા મળી છે. આ માટે જિલ્લામાં જુદા જુદા અધિકારીઓને જવાબદારી સોંપી દિન – 3માં બાળકોના ખાતા ખોલાવવા વ્યવસ્થા ગોઠવવા સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના એસીએસ સુનયના તોમરે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર પાઠવ્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા રાજ્ય સરકારે જાહેર કરેલી યોજનામાં જણાવ્યું હતું કે, 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. 4000ની સહાય અપાશે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય આપવામાં આવશે. આ સાથે જ કોરોનામાં માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે આપવામાં આવશે. તેમને વિદેશ અભ્યાસ કરવા જવા માટેની લોન પણ કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય અગ્રતા ધોરણે અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Most Popular

To Top