ગાંધીનગરઃ વડોદરામાં હરણી ખાતે બોટ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની સ્કૂલ પિકનીક માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે કોઈ પણ સ્કૂલે પ્રવાસનું આયોજન કરતા પહેલાં રાજ્ય સરકારને રજેરજનો રિપોર્ટ આપી જરૂરી મંજૂરી લેવી પડશે. આ અંગેનો ઠરા રાજ્ય સરકારે કર્યો છે. તેથી હવે સ્કૂલોએ ટુરનું આયોજન કરવું હોય તો સરકારના નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે.
રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરીએ આજે એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર થાય, અવલોકન શક્તિ વધે, જિજ્ઞાસા સંતોષાય તથા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે આનંદનો અનુભવ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા અંગેની ગાઈડલાઈન જાહેર કરાઈ છે.
ગાઈડલાઈન જાહેર કરવાનો હેતુ પ્રવાસનો મૂળ હેતુ સિદ્ધ થાય તથા અકસ્માત, આગ જેવા અનિચ્છનીય બનાવો કે દુર્ઘટના ટાળી શકાય તે છે. વિદ્યાર્થી અને શિક્ષકોની સંપૂર્ણ સલામતી જળવાય તે માટે આ ગાઈડલાઈન જાહેર કરાઈ છે.
ગાઈડલાઈન આ મુજબ છે
- પ્રવાસ માટે વાલીઓની સહમતી મેળવવાની રહેશે
- આચાર્યની અધ્યક્ષતામાં પ્રવાસ માટે સમિતિ બનાવવાની રહેશે
- પ્રવાસના પ્રકાર અનુસાર 15 દિવસ પહેલા જાણ કરવાની રહેશે
- પ્રવાસના દિવસ પ્રમાણે વિગતો આપવાની રહેશે
- અનુભવી વ્યક્તિ કન્વિનર તરીકે રહેશે
- પ્રવાસ માટે કોઈને ફરજ પાડી શકાશે નહીં
- 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક રાખવાનો રહેશે
- ફર્સ્ટ એઈડ કીટ સાથે રાખવાની રહેશે
- જીપીએસ ટ્રેકિંગ વાળા વાહનોમાં જ પ્રવાસ કરવાનો રહેશે
- ફાયર સેફ્ટીના સાધનો રાખવાના રહેશે
- બોટ રાઈડ મરજિયાત રહેશે
- બોટ રાઈડ ટાળવા અથવા ક્ષમતાથી વધુ ન બેસાડવા
- ગૃપ વાઈઝ એક શિક્ષક સાથે રાખવા અને લાઈફ જેકેટ ફરજિયાત રાખવા સૂચના
- તરણ જેવી જોખમી સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહીં
- રાત્રી 10 વાગ્યા સુધી રાત્રિ રોકાણના સ્થળ સુધી પહોંચી જવું