ગુજરાત: ગુજરાતના (Gujarat) યુવાનો માટે નવા વર્ષની શરૂઆત પહેલા જ ગુજરાત સરકાર દ્વારા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વર્ગ 3ની (Competitive exam) ભરતીને લઇને ગુડ ન્યૂઝ આવી છે. રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આગામી 15 દિવસ એટલે કે ઉતરાયણની (Uttarayan) આસપાસના દિવસોમાં જ વર્ગ 3ની ભરતી બહાર પડશે. વધુમાં રાજ્યમાં વર્ગ 3ની ભરતી માટે 5 હજાર જગ્યાઓ બહાર પાડવામાં આવશે.
એક તરફ વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવી છે તો બીજી તરફ સરકાર દ્વારા તેના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા લેખિતને બદલે MCQ પદ્ધતિથી લેવામાં આવશે.
ગુજરાતમાં એક દિવસમાં જ બે ખુશખબરીઓ સામે આવી છે. થોડા સમય પહેલા વર્ગ 3ની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એક પરીક્ષાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો કે આ પરીક્ષા પણ ગૌણ સેવા પસંદગી મંડળ લેશે.
મળતી માહિતી મુજબ વર્ગ 3ની પરીક્ષા આગામી 15 દિવસમાં બહાર પડશે, જ્યારે 8 ફેબ્રુઆરીથી ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેવામાં આવશે. જો કે ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોવાના કારણે એક અઠવાડિયા સુધી ચાલશે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રોજના 50 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે.