ગાંધીનગર : નીટ પેપર લીક કૌભાંડમાં ગુજરાતમાં સીબીઆઇ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીબીઆઇની ટીમે ગોધરા, ખેડા, વડોદરા, આણંદ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
- વડોદરા, ખેડા, ગોધરા, અમદાવાદ સહિત સાત થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન
- સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક શંકાસ્પદોની અટકાયત
ગુજરાતમાં ગોધરામાં નીટ પેપર કૌભાંડનો મામલો બહાર આવ્યો હતો. ગોધરાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નીટ પેપર કૌભાંડ બહાર આવ્યા બાદ સીબીઆઇ દ્વારા આ સ્કૂલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારબાદ તપાસના તાર ધીમે ધીમે રાજ્યભરમાં ફેલાયા હોવાનું બહાર આવ્યું છે. ગોધરામાં નીટ પરીક્ષાના કો ઓર્ડિનેટર અને સ્કૂલના આચાર્ય સહિત અનેકની ધરપકડ કરવામાં આવી છે સીબીઆઇ દ્વારા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગોધરામાં નીટ પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી એવા પરીક્ષા સેન્ટરના પરસોત્તમ મહાવીર પ્રસાદ અને તુષાર રજનીકાંત ભટ્ટ સહિતની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ અનેક લોકોના નામ બહાર આવતા સીબીઆઇ હવે તે દિશામાં તપાસ કરી રહી છે.
ગોધરામાં 8મી મે 2024ના રોજ નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.