Gujarat

રાજ્યમાં જીઆઈડીસીમાં પણ અનધિકૃત બાંધકામોને નિયમિત કરવામાં આવશે

ગાંધીનગર: રાજયમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં (GIDC) અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. રાજય સરાકરે આજે આ નવી નીતિની જાહેરાત કરી દીધી છે. આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.

રાજ્ય સરકારે અમલી બનાવેલી નવી નીતિ અમલી અંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે.

આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે.ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે. ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ આ જાહેરાતના પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

બાંધકામ નિયમ કરવાના દરો કેવી રીતે રહેશે
કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦,કુલ બાંધકામ ૧૦૦ ચો.મી. થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી રૂા.૬૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,કુલ બાંધકામ ૨૦૦ ચો.મી. થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી રૂા. ૧૨૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી. થી વધુ માટે રૂા.૧૮૦૦૦ વત્તા વધારાના રૂા.૧૫૦ પ્રતિ ચો.મી ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.

આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (Change of use) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસુલવામાં આવશે.

રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી ૫૦% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક (hazardous /obnoxious) ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયેથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે.

Most Popular

To Top