ગાંધીનગર : દક્ષિણ – પશ્વિમ ચોમાસુ સિસ્ટમ હાલમાં નવસારી સુધી પહોંચી છે, જયારે અરબ સાગર પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી હવમાન વિભાગ દ્વારા ઈશ્યુ કરી દેવાઈ છે. આગામી તારીખ 27 મી જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ થશે. જયારે વલસાડમાં ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે.
ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં 27મી જૂન સુધીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજયમાં સરેરાશ 25 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. બુધવારે રાજયમાં 35 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં ઉમરગામમાં સૌથી વધુ 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, બુધવારે કપરાડામાં 1.3 ઈંચ , સુરતના ચોર્યાસીમાં 22 મીમી, ઉમરગામમાં 18 મીમી, જલાલપોરમાં 14 મીમી જ્યારે બે દિવસ પહેલા કુકરમુંડામાં 13 મીમી જેટલો વરસાદ થયો છે. જયારે ઉત્તર ગુજરાત પર સર્જાયેલા સાયકલોનિક સરકયૂલેશનની અસર હેઠળ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલે તા.21 અને તા.23મી જૂને વરસાદની સંભાવના રહેલી છે.