ગાંધીનગર: બે દિવસની અંદર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના રહેલી છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 72 તાલુકાઓમાં વરસાદ થયો હતો જયારે આજે સોમવારે રાજયમાં પાંચ તાલુકાઓમાં વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકની અંદર તાપીના ડોલવણમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો હતો. બીજી તરફ રાજયમાં આગામી 16મી જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી રહેલી છે.
ચોમાસાના આગમન પહેલા રાજયમાં ગરમીનો પારો પણ ઉંચે જવા લાગ્યો છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોચ્યો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં આગામી તા.16મી જૂન સુધીમાં પ્રતિ કલાકના 30થી 40 કિની ઝડપે પવન ફૂંકાવવા સાથે અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે. આગામી તા.16મી જૂન સુધીમાં રાજયમાં ચોમાસુ બેસી જશે તેવી આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની ચેતવણી મુજબ આગામી તા.16 મી જૂન સુધીમાં રાજયમાં પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે જેના પગલે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં
ગાજવીજ અને તોફાન સાથે વરસાદ થશે.
અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ રાજયમાં સોમવારે અમદાવાદમાં 43 ડિ.સે., ડીસામાં 43 ડિ.સે., ગાંધીનગરમાં 43 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 42 ડિ.સે.,સુરતમાં 38 ડિ.સે.,વલસાડમાં 37 ડિ.સે., ભૂજમાં 41 ડિ.સે.,નલિયામાં 37 ડિ.સે., કંડલા પોર્ટમાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 43 ડિ.સે., 37.2 ડિ.સે., ભાવનગરમાં 41 ડિ.સે.,રાજકોટમાં 42 ડિ.સે.,અને સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે., મહુવામાં 40 ડિ.સે., કેશોદમાં 39 ડિ.સે.,મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.