ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં બે દિવસથી થયેલા માવઠાના પગલે મંગળવારે સતત ત્રીજા દિવસે રાજકોટ (Rajkot) તરફ ગાઢ ધુમ્મસની (Fog) ચાદર છવાઈ ગઈ હતી. વાહનચાલકોને ધુમ્મસના કારણે આગળનું દેખાતું બંધ થઈ ગયું હતું. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બીજી તરફ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. મંગળવારે કચ્છના નલિયામાં 14 ડિગ્રી સે. ઠંડી નોંધાઈ હતી.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 18 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., ગાંધીનગરમાં 18 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 14 ડિ.સે., કંડલા પોર્ટ 19 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 17 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 20 ડિ.સે. અને રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે., કેશોદમાં 17 ડિ.સે., લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
માવઠા અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો મુજબ વળતર ચુકવવા તજવીજ
ગાંધીનગર: રાજ્યમાં આજે નવસારીના જલાલપોરમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ માવઠાએ વિદાય લઈ લીધી છે અને આકાશ સ્વચ્છ થઈ ગયું છે. બીજી તરફ રાજ્ય સરકારે ખેતીને થયેલા નુકસાનના યુદ્ધના ધોરણે સરવે કરવા માટે આદેશ કરી દીધા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને વલસાડના કપરાડામાં 2 ઈંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે તાપીના કુકરમુન્ડામાં 1.8 ઈંચ, નવસારીમાં 20 મીમી તથા અન્ય તાલુકાઓમાં 20 મીમીથી ઓછો વરસાદ થયો હતો. રાજ્યમાં બે દિવસના માવઠાના માહોલ વચ્ચે અવકાશી આફત એટલે કે વીજળી ત્રાટકવાના કારણે 24 લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે 25 લોકોને ઈજા થવા પામી હતી. 71 પશુઓ પણ ભારે વરસાદ તથા વીજળી પડવાના કારણે મૃત્યુ પામ્યા હતા. વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન થયુ હતું.
રાજ્ય સરકારના કેબિનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે આજથી જ સરવેની કામગીરી શરૂ કરાવી દીધી છે. એસડીઆરએફના નિમયો મુજબ, ખેડૂતોને ખેતીવાડીમાં થયેલા નુકસાનના માટે સહાય ચૂકવાશે.