૧૯૫૯માં કાનપુર મૂકામે યોજાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગુજરાતી ક્રિકેટર જશુ પટેલની સ્પિન બોલિંગની કમાલને લીધે જે ભવ્ય વિજય થયો હતો અને ગુજરાતમિત્રમાં પહેલે પાને મોટા મથાળા સાથે જે સમાચાર પ્રકાશિત થયા હતા ત્યારથી આ લખનાર નિયમિતરૂપે ગુજરાતમિત્ર વાંચે છે અને જ્યાં સુધી સવારે ઉઠીને ગુજરાતમિત્ર ન વાંચ્યુ હોય ત્યાં સુધી ચેન ન પડે એ વાત હકીકત બની ચૂકી છે. તેનું મહત્વનું કારણ એ છે કે વિશ્વમાં ક્યાંય કોઈપણ નોંધનીય બાબત બને તો ગુજરાતમિત્રમાં તેની વિશિષ્ટ અને વિસ્તૃત નોંધ લેવાઈ જ હોય.
તેનું તાજુ ઉદાહરણ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના છે. તા.૧૩ જૂન,૨૦૨૫ના ગુજરાતમિત્રમાં પ્લેનક્રેશ અંગે ચાર પાનાની પૂર્તિ પ્રકાશિત થઈ છે જેમાં ચારેય પાના ભરીને અમદાવાદની વિમાન દુર્ઘટનાનો અત્યંત વિગતવાર અહેવાલ પ્રકાશિત થયો છે. અને આ જ તો વિશિષ્ટતા છે ગુજરાતમિત્રની. મારું માનવુ એવું છે કે મારા જેવો અનુભવ ગુજરાતમિત્રના મોટાભાગના વાચકોને થતો હશે. ગુજરાતમિત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે અને વાચકોને વિશ્વમાં બનતી ઘટનાઓથી વાકેફ કરતું રહે તેવી આશાઓ સાથે શુભેચ્છાઓ.
નાનપુરા, સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.