Gujarat

જૂનાગઢ પોરંબદર દ્વારકા તથા ઘેડ પંથકમાં પૂરનું સંકટ, દક્ષિણ ગુજરાત સહિત આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ

ગાંધીનગર: (Gandhinagar) દ્વારકા, જુનાગઢ , ગીર સોમનાથ અને ઘેડ પંથકમાં સોમવારે પૂરનું (Flood) સંકટ સર્જાયુ હતું. અરબ સાગર પરથી સરકીને ગુજરાત પર આવેલી સાયકલોનિક સરકયૂલેશનની અસર હેઠળ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઈંચ વરસાદ થયો હતો. જેના પગલે નદીઓમાં પૂર આવ્યુ છે. આ ઉપરાંત જુનાગઢ શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે. અતિ ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે. શહેરની મધ્યમાં આવેલ વિલિંગ્ડન ડેમ છલોછલ થયો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ આગામી 24 કલાક માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયુ છે. જયારે આગામી 48 કલાક માટે સુરત , નવસારી, વલસાડ , દમણ, દાદરા નગર હવેલી , જામનગર , પોરંબદર , જુનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. આગામી તા.6ઠ્ઠી જુલાઈના રોજ રાજયમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં આજે સરેરાશ 202 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જે પૈકી કલ્યાણપુરમાં 7 ઈંચ , માણાવદરમાં 6.5 ઈંચ , ખંભાળિયામાં 6.2 ઈંચ , કેશોદમાં 6.2 ઈંચ , વંથલીમાં 6.1 ઈંચ, મેંદરડામાં 5.4 ઈંચ , જુનાગઢમાં 5.2 ઈંચ , જુનાગઢ સીટીમાં 5.2 ઈંચ , ધોરાજીમાં 4.6 ઈંચ , વિસાવદરમાં 4.6 ઈંચ , કોડિનારમાં 4.3 ઈંચ , બારડોલીમાં 4.2 ઈંચ , દ્વારકામાં 4 ઈંચ , નવસારીમાં 4 આઈંચ જેટલો વરસાદ થયો હતો. એકંદરે રાજયમાં 76 તાલુકાઓ એવા છે કે જયાં 1થી 7 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

દ્વારકા અને જુનાગઢમાં પૂરનું સંકટ
જુનાગઢ તથા દ્વારકામાં અતિ ભારે વરસાદ થયો છે. જેના પગલે અહીં પૂરનું સંકટ પેદા થયુ છે. ભારે વરસાદને કારણે હાલ ઉબેણ નદી બે કાંઠે વહી રહી છે. આથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવે છે. તથા નદીના પટમાં કોઈને અવર જવર ન કરવા તથા સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. જુનાગઢના ભેંસાણ તાલુકાના ગામો એલર્ટ પર છે. ભાટગામ, સુખપુર એલર્ટ પર છે. જુનાગઢ તાલુકાના ભિયાળ, ચોકી, કેરાળા, ઝાલનસર, મજેવાડી, તલિયાધાર એલર્ટ પર છે. તેમજ વંથલી તાલુકાના ગામો એલર્ટ પર છે.

કલ્યાણપુર, માણાવદર અને ખંભાળિયામાં સરેરાશ 5થી 7 ઈંચ જેટલો વરસાદ થયો છે. જેના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. આ વચ્ચે જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જુનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે. અવિરત વરસાદથી પાણી ભરાયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

જુનાગઢ જિલ્લાનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા છે. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે, બીજી તરફ, નીચાણ વાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. માણાવદરના ચાર અને કુતિયાણાના ચાર ગામોને એલર્ટ કરાયા છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના છે. તો નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલ ઢોરને પણ ન જવા દેવા તંત્રની તાકીદ કરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદ જ વરસાદ છે, શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે.

નવદુર્ગા ચોક, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, જૂનાગઢ રોડ પર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા છે.જૂનાગઢના માળીયા હાટીનામા અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં મેઘલ નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે.માળીયાહાટીના ગામમાં નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી છે. ગુજરાતમાં પૂર સંકટના પગલે એનડીઆરએફની 9 ટિમો તૈનાત કરાઈ રહી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવ ભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત ટીમો મોકલવામાં આવી છે.

માણાવદરમાં 8 ઈંચ વરસાદથી પૂર
છેલ્લા 24 કલાક દરમ્યાન જુનાગઢના માણાવદરમાં 8 ઈંચ જેટલો વરસાદ થતાં અહીં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. માણાવદર શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે માણાવદરના ગોકુળ નગર, અમૃત નગર, ગીરીરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 214 તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો જેમાં સુરતના પલસાણામાં સવા આઠ ઈંચ જેટલો વરાસદ થયો હતો. જયારે બીજા ક્રમે જુનાગઢના માણાવદરમાં 8 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

Most Popular

To Top