Business

ગુજરાતમાં પહેલીવાર આ ડેરી બનાવશે આઈસ્ક્રીમના કોર્ન, સુરત નજીક પારડીમાં સ્થપાશે પ્લાન્ટ

સુરત:(Surat) સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી ખાતે ગુજરાતનો (Gujarat) પહેલો કોન મેકિંગ પ્લાન્ટ (Corn Making Plant) બનશે. સુમુલ ડેરીમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં આઇસ્ક્રીમનું (Ice cream) વેચાણ વધતા ભારતમાં અમૂલ (Amul) બ્રાંડથી બનતાં આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા અમુલ ડેરીએ નિર્ણય લીધો છે. આ ઉપરાંત 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. પારડી ખાતે આ પ્લાન્ટ બનાવવાનું નક્કી કરાયું છે, જેનું 8મી જૂને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ખાતમુહૂર્ત કરશે.

  • સુરતની સુમુલ ડેરી આઈસ્ક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે
  • આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત 8 મીએ સીઆર.પાટીલના હસ્તે કરશે
  • કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી મેળવનાર સુમુલ ડેરી પ્રથમ સંસ્થા બનશે : માનસિંહ પટેલ

એ સાથે ડેરી કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી મેળવનાર પ્રથમ સંસ્થા બનશે. આઈસ્ક્રીમના આ પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી રહેશે. સુમુલ રોજ એક લાખ લીટર આઈસ્ક્રીમ ઉત્પાદનની સાથે રોજ 3 લાખ કોનનું ઉત્પાદન કરશે. ડેરીના આ પ્લાન્ટની ક્ષમતા 8 લાખ કોન રોજ ઉત્પાદન કરવાની બનશે. ગુજરાતની 27 ડેરીઓમાં આઈસ્ક્રીમ કોન બનાવનાર સુમુલ પ્રથમ ડેરી બનશે. આ ઉપરાંત કેન્દ્રની મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ સ્કીમ – પ્રધાન મંત્રી કિસન સંપદા યોજના હેઠળ સુમુલ ને ઓર્ગેનિક લેબોરેટરી બનાવવા માટે પસંદ કરી છે અને તે પેટે રૂપિયા 20 કરોડ પણ સુમુલને મળશે.

આ બંને કાર્યક્રમો માટે તારીખ 8 જુન ને બુધવારે સુમુલના નવી પારડી પ્લાન્ટ ખાતે ખાતમહુર્ત કાર્યક્રમ સી.આર.પાટીલ (સાંસદ – નવસારી )ના હસ્તે કરાશે. આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ , સહકાર અને કુટીર મંત્રી જગદીશ પંચાલ , કૃષિ , ઉર્જા અને પેટ્રોલીયમ મંત્રી મુકેશ પટેલ તથા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના એમડી. આરએસ.સોઢી હાજર ઉપસ્થિત રહેશે.પત્રકાર પરિષદમાં સુમુલના વાઇસ ચેરમેન રાજુભાઇ પાઠક,એમડી.પુરોહિત,ડિરેક્ટર સંદીપ દેસાઈ,જયેશ એન.પટેલ ( દેલાડ),ભરતસિંહ સોલંકી,કાંતિ ગામીત હાજર રહ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે અમૂલ બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવતો આઈસ્ક્રીમ એ રિઅલ મિલ્ક ફેટમાંથી બનાવાયા છે. તેના લીધે આ બ્રાન્ડની આઈસ્ક્રીમની માંગ હાલના દિવસોમાં વધી છે. પાર્ટી પેકથી માંડીને કોન, કપ, કુલ્ફીની સાથે ચોકલેટ-બટરસ્કોચ જેવી વિવિધ વેરાયટીની માંગ વધી છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરત સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતા વધારવા મંજૂરી આપી છે. જેથી સુમુલમાં આઈસ્ક્રીમનું દૈનિક ઉત્પાદન 50 હજાર લિટરથી વધારીને 1 લાખ લિટર કરાશે. 50 હજાર લિટર આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવાના હેતુથી સુમુલ ડેરીએ પારડીમાં આ નવો પ્લાન્ટ ઉભો કરવાનું નક્કી કર્યું છે.

Most Popular

To Top