ગાંધીનગર: ગુજરાત (Gujarat) પર આવેલી અર એર સાયકલોનિક સરકયૂલેશનનની અસરના પગલે ઉત્તર ગુજારત તથા સૌરાષ્ટ્રમાં ખેડૂતોના (Farmer) રવિ સિઝનના કેટલાક પાકોને નુકશાન થવાની સંભાવના છે. કૃષિ તજજ્ઞોના મતે વિવિધ પાકોમાં પાંચ થી સાત ટકા નુકસાન થયુ છે. ખાસ કરીને જીરૂં, ધાણા, ઘઉં, મકાઇ, વરિયાળી, એરંડા, મગ અને ચણાના પાક ઉત્પાદનને માઠી અસર થશે. કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા હવે સર્વે કરીને તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
સચિવાલયના કૃષિ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે માવઠાં અને કમોસમી વરસાદના કારણે કઇ જગ્યાએ ક્યા ક્યા પાકને નુકશાન થયું છે તેનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર થઈ રહયો છે. રવિ સિઝનમાં વાવણી અંતિમ તબક્કામાં છે ત્યારે જ્યાં વાવણી થયેલી છે ત્યાં પાણી ભરાવાથી હાનિ થઇ શકે છે. હવામાનમાં પલટો આવતાં કેટલાક પાકોમાં જીવાતનો ઉપદ્રવ પણ વધી શકે છે. જો કે ઘઉંના પાકમાં ઠંડીની આવશ્યકતા છે. ઉત્તર ગુજરાતમાં રાયડાના પાકને નુકશાન થયાનું જણાય છે પરંતુ હજી સુધી એ જાણી શકાયું નથી કે કેટલા હેક્ટરમાં ક્યા પાકને નુકશાન થયું છે.
ગુજરાતમાં રવિ સિઝનમાં અત્યાર સુધીમાં 11.72 લાખ હેક્ટર એટલે કે 99.95 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે જે પૈકી સૌથી વધુ 125 ટકા વાવેતર તેલીબીયાં પાકોમાં થયું છે. રાજ્યમાં ખેડૂતોએ 12.92 લાખ હેક્ટરમાં ઘઉંનું તેમજ 8.07 લાખ હેક્ટરમાં કઠોળ પાકોનું વાવેતર કર્યું છે. જે પાકોને નુકશાનનો અંદાજ છે તેમાં જીરૂં 2.75 લાખ હેક્ટર, ધાણાં 2.22 લાખ હેક્ટર, ઇસબગુલ 13000 હેક્ટર, વરિયાળી 51000 હેક્ટર, શાકભાજી 2.02 લાખ હેક્ટર, બટાટા 1.31 લાખ હેક્ટર તેમજ ડુંગળી 70 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. કૃષિ તજજ્ઞોના મતે આ પાકોમાં પાંચ થી સાત ટકા નુકશાન થવાની સંભાવના છે.
માવઠાં અને કમોસમી વરસાદને કારણે આંબે આવેલા મોરને ભારે નુકશાન થયું છે જેના કારણે આ વર્ષે કેરીના પાકને અસર થાય તેવી શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પાક નુકશાનીનો સર્વે કરવાનું નક્કી કર્યું છે.