ગાંધીનગર: આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને (Farmer) દિવસે વીજળી (Electricity) પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, તેવું વિધાનસભામાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.
વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી, વલસાડ તથા વાપી તાલુકાઓમાં રૂ. ૪૯૫.૪૦ લાખના ખર્ચે કુલ ૨૩ ફીડરો તથા વર્ષ ૨૦૨૨માં ઉમરગામ, કપરાડા, ધરમપુર તથા વલસાડ તાલુકાઓમાં રૂ. ૧૬૧.૯૯ લાખના ખર્ચે ૯ ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લામાં રૂ. ૬૫૭.૩૯ લાખના ખર્ચે ૩૨ નવા ફીડરોનું ઊભા કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૧માં દાહોદ, લીમખેડા, ફતેપુરા, ઝાલોદ, દેવગઢબારિયા, ગરબાડા તથા ધાનપુર તાલુકાઓમાં મળી રૂ. ૧૩૧.૧૧ લાખના ખર્ચે ૧૨ નવા ફીડરો ઊભા કરાયા છે. જ્યારે વર્ષ ૨૦૨૨માં દાહોદ, ઝાલોદ, ગરબાડા અને ધાનપુર તાલુકાઓમાં રૂ. ૧૩૯.૦૧ લાખના ખર્ચે ૮ નવા ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખેતીવાડી માટે ૭, જ્યોતિગ્રામ અંતર્ગત ૧૨ તથા શહેરી વિસ્તારો માટે ૧ એમ કુલ ૪૮.૦૧ કિમીની ભારે દબાણવાળી નવી વીજલાઈન મારફતે રૂ. ૨૦૭.૧૨ લાખના ખર્ચે કુલ ૨૦ નવા ફીડરો ઊભા કરાયા છે.
વર્ષ ૨૦૨૧માં નડિયાદ, કઠલાલ, કપડવંજ, માતર, ગળતેશ્વર અને મહુધા તાલુકાઓમાં રૂ. ૧૫૦.૮૪ લાખના ખર્ચે ૧૮ નવી ફીડરો ઊભા કરાયા છે. જ્યારે વર્ષ ૨૦૨૨માં નડિયાદ, કઠલાલ, કપડવંજ, ગળતેશ્વર, વસો, મહેમદાવાદ, ઠાસરા તથા ખેડા તાલુકાઓમાં રૂ. ૨૫૭.૩૩ લાખના ખર્ચે ૨૪ ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, જિલ્લામાં ભારે વીજ દબાણની નવી ૪૨.૭૧ કિમી વીજલાઈન મારફતે ખેતીવાડી માટે ૨૦, જ્યોતિગ્રામ માટે ૧૬, શહેરી વિસ્તારો માટે ૪ તથા ઉદ્યોગો માટે ૨ એમ મળી રૂ. ૪૦૮.૧૭ લાખના ખર્ચે કુલ ૪૨ નવા ફીડરો ઊભા કરવામાં આવ્યા છે.
વીજ પુરવઠો આપવા માટે ઊભી કરવામાં આવતી ૧૧ કેવી ભારે દબાણની વીજ લાઇનને ફીડર કહેવામા આવે છે. વધુમાં કોઈ પણ ફીડરનું વોલ્ટેજ રેગ્યુલેશન ૯ ટકા હોવું જોઈએ એટલે કે તે ફીડરના છેવાડે આવેલા વીજ ગ્રાહકને મળવા પાત્ર વોલ્ટેજથી ૯ ટકાથી ઓછા વોલ્ટેજ મળે ત્યારે ફીડરનું વિભાજન કરવામાં આવે છે. સરકાર દ્વારા સાગરખેડુ સવાર્ગી વિકાસ યોજના, સરદાર કૃષિ જયોતિ યોજના, નોર્મલ એજી ફીડર બાયફરકેશન યોજના, વનબંધુકલ્યાણ યોજના – ૨ તથા સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ (એસ.આઈ.) યોજના અંતર્ગત ફીડરનું વિભાજન કરવામાં આવે છે.