ગાંધીનગર : રાજ્ય સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસની ખેડૂતો (Farmer) પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને સિંચાઈની પૂરતી સગવડ મળી રહી છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને નુકશાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે છે, તેવું આજે ગુજરાત વિધાનસભાના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલા નુકશાન સામે ૫૯.૮૧ લાખ ખેડૂતોને રૂ. ૬૬૨૪.૨૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
બનાસકાંઠા, જામનગર જીલ્લા સહિત રાજ્યના જે જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેના સર્વેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોના ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે, તેવા વિસ્તારોના સર્વે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને થયેલા નુકશાની સંદર્ભે સહાયપાત્ર ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે.