Gujarat

રાજ્યમાં 14, 15 ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળાનો 13મો તબક્કો

ગાંધીનગર : આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ તા.૧૪મીએ તાપીથી અને તા.૧૫મીએ ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા માટે અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.

આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ પ્રસ્થાપિત થયું
સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નિર્માણ માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નામ પ્રસ્થાપિત કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ ૨૦૨૨ તથા ODF + ની વિવિધ ઘટકોની આઈ.ઈ.સી હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે. તા.૨ ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાનભાવન ખાતે ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ ૨૦૨૨ તથા ODF + ની વિવિધ ઘટકોની આઈ.ઈ.સી હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત રાજ્યને પ્રથમ ક્રમે બાયો ડિગ્રેડેબલ વેસ્ટ, ગોબરધન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ગ્રે-વોટર મેનેજમેન્ટ તથા ફિકલ સ્લજ મેનેજમેન્ટમાં દ્વિતીય ક્રમે એમ કુલ-૬ એવોર્ડ પ્રાપ્ત થયા છે.

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨માં ગુજરાતના પાંચ શહેરોની પસંદગી
ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે. સ્વચ્છ અમૃત્ત મહોત્સવ-૨૦૨૨ અંતર્ગત ગુજરાતની સુરત મહાનગરપાલિકાને દેશનું બીજા નંબરનો સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત થયો છે. ગાંધીનગર મહાનગ૨પાલિકાને ઈન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર મળ્યું છે. તે ઉપરાંત અમદાવાદ મહાનગ૨પાલિકાને ૪ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. રાજકોટ મહાનગ૨પાલિકાને સેલ્ફ સસ્ટેનેબલ બીગ સીટીનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સિટી માટે વડોદરા, જામનગર, ગાંધીનગ૨, રાજકોટ મહાનગરપાલિકાને ૩ સ્ટાર બિરુદ મળ્યું છે. અમદાવાદ કાન્ટોનમેન્ટ બોર્ડને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ કન્ટોન્મેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો તેમજ 3 સ્ટારનું બિરુદ પણ મળ્યું છે. આ સિવાય ભાવનગ૨ મહાનગ૨પાલિકા, તરસાડી અને વિસાવદર નગ૨પાલિકાને ૧ સ્ટારનું બિરુદ પ્રાપ્ત થયું છે.

Most Popular

To Top