Gujarat

ગુજરાતની આ ચારેય વીજ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યુટેડ સોલર પ્રોજેક્ટ્સ માટે 2500mv ક્ષમતાના પીપીએ કરાયા

ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની (Gujarat Energy Development Corporation Limited) ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યૂટેડ સોલર (Solar) પ્રોજેક્ટ્સની એક અનોખી યોજના હેઠળ ૨૫૦૦ મેગાવોટ સૌર ઊર્જા માટે પીપીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આ સોલર પ્રોજેક્ટ્સ થકી રાજ્યમાં રૂ. 10,000 કરોડથી પણ વધુ રકમનું ગ્રીન ઊર્જા અને તેના એલાઇડ સેક્ટર ક્ષેત્રે મૂડી રોકાણ આવશે. આ પ્રોજેક્ટ્સ વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં પૂરા કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત કરેલ ૧૭૫ ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ ૨૦૨૨ સુધી અને ૪૫૦ ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ ૨૦૩૦ સુધી હાંસલ કરવાના દિશામાં ગુજરાતના પ્રયાસો ચાલી રહ્યાં છે.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે આવા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સની મારફતે આટલી મોટી ક્ષમતા માટે વીજ ખરીદીના કરાર કર્યા હોય. આ સોલર ક્ષમતાઓનો વિકાસથી માત્ર બિન ઉપજાઉ જમીનના અનેક નાના વિસ્તારોમાં સોલર પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ નાના રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોની તેમાં ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે.

રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૯માં “સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સના વિકાસ માટેની નીતિ જાહેર કરી હતી રાજ્યના વીજ વિતરણ નેટવર્કમાં ૦.૫ મેગાવોટથી ૪ મેગાવોટની ક્ષમતાના નાના સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સના વિકાસને ઝડપી અને સરળ બનાવવાનો છે. કોઈપણ વ્યક્તિ, ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા ખાનગી જમીન ધરાવતા હોય તે જમીન ઉપર અથવા પીપીએના સમયગાળા માટે ખાનગી જમીન લીઝ ઉપર લઈ પ્રોજેકટ સ્થાપી કરાર કરી શકે તેવી આ પોલિસી હેઠળ આવા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ સ્થાપવા અને ૨૫ વર્ષના સમયગાળા માટે પ્રતિ યુનિટ રૂ. ૨.૮૩ના દરથી રાજ્યની વીજ વિતરણ કંપનીઓને ઉત્પાદિત વીજળી આપવા માટે અગાઉ જીયુવીએનએલ દ્વારા અરજીઓ મંગાવાઈ હતી.

વીજ વિતરણ કંપનીઓ – પશ્ચિમ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીઓ ખાતે વિવિધ વ્યક્તિઓ, માલિકી કંપનીઓ, ભાગીદારી કંપનીઓ, કંપનીઓ વગેરે સહિત નાના પાયાના પ્રોજેક્ટ ડેવલપર્સ દ્વારા કોવિડ-૧૯ મહામારીની વિપરીત પારિસ્થિતિ હોવા છતાં ફક્ત ત્રણ મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન કુલ ૧૨,૪૦૪ અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેની કુલ ક્ષમતા ૭,૯૫૯ મેગાવોટ હતી. આ અરજદારોને ટ્રાન્સમિશન નેટવર્કની કનેક્ટિવિટી વહેલા તે પહેલાના (ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ) ધોરણે ફાળવવામાં આવી હતી. આવા સોલર પ્રોજેક્ટ્સ વિકાસકર્તાઓ દ્વારા કોવિડ-૧૯ મહામારીના સંજોગોમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ રાજ્યના રેગ્યુલેટર – જી.ઇ.આર.સી. દ્વારા પીપીએના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી હતી અને આ રૂ. ૨.૮૩ પ્રતિ યુનિટ લેખેના પીપીએ પર હસ્તાક્ષર કરવાની તારીખ ૩૧/૦૫/૨૦૨૧ સુધી લંબાવાઈ હતી.

એપ્રિલ તથા મે-૨૦૨૧ ફક્ત બે મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન, વીજ વિતરણ કંપનીઓ દ્વારા કુલ ૩૯૭૯ પીપીએ પર વીજ ખરીદના કરાર કરવામાં આવ્યા છે. જેની કુલ સ્થાપિત સોલર વીજ ક્ષમતા ૨૪૮૦ મેગાવોટ થાય છે. આ ૩૯૭૯ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ પીપીએની તારીખથી ૧૮ મહિનામાં કમિશન થશે.

Most Popular

To Top