ગાંધીનગર: દેશમાં હાલ વીજળીની (Electricity) કટોકટી ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં કોલસાની અછતના કારણે વીજળી વપરાશ પર કાપ મૂકવામાં આવ્યો છે. દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં (Gujarat) પણ વીજળીની અછત વર્તાય રહી છે. ત્યારે આટલી મોંઘવારીના માર વચ્ચે ગુજરાત સરકારે વીજળીના ભાવમાં (Price) વધારો ઝીંક્યો છે. GUVNLએ ફ્યુઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કર્યો છે. 1 મેેથી પ્રતિ યુનિટનો ભાવ 2.50 રૂપિયા વસૂલાશે. જો કે આ બોજો ખેડૂતોના માથે નહિ પડશે. વીજળીનો નવો ભાવ ખેડૂતોને લાગુ પડશે નહિ.
વધતી જતી મોંઘવારીની વચ્ચે સરકારે વધુ એક જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલ, શાકભાજી, દૂધ બાદ હવે વીજળી પર સરકારે ભાવ વધારો કર્યો છે. સરકાર દ્વારા વીજળીમાં પ્રતિ યુનિટના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરાયો છે. જેથી આવનારા સમયમાં 1.30 વીજપરાશકારો પર તેની સીધી અસર પડશે. સરકારના ભાવ વધારાથી 1.30 કરોડ વીજપરાશકર્તાઓને માથે વર્ષે 3240 કરોડનો બોજ વધશે. જો કે આ ભાવ વધારાની અસર ખેડૂતો પર નહિ પડશે. આ પહેલા યુનિટનો ભાવ 2.30 રૂપિયા હતો જેને ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ દીઠ વધારી 2.50 રૂપિયા કરવામાં આવ્યો છે. 1 મે 2022થી યુનિટ દીઠ 2.50 રૂપિયા લેવામાં આવશે.
રાજ્ય સરકારે છેલ્લા પાંચ મહિનામાં ચોથીવાર ઈંધણ સરચાર્જના ભાવ વધાર્યા છે. જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા માટે FPPPAમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો કરાયો હતો. નોંધનીય છે કે ચાર મહિનાના ગાળામાં 50 પૈસાનો વધારો ઝીંકાયો છે.
દિલ્હીની જેમ ગુજરાતમાં પણ મફત વીજળીનો વાયદો!
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો હતો અને તે વાયદોને તેમણે પૂરો કર્યો હતો. ત્યાર બાદ તેઓ 1 મે રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતની પ્રજાને મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો હતો. આ સાથે જ શિક્ષણ અને સારવાક મફત કરવાનું પણ વચન આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં 24 કલાક વીજળી આપી રહ્યો છું ત્યારે મને ધ્યાન પર આવ્યું કે ગુજરાતમાં અત્યારે તોતિંગ વીજબીલ આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી લાઈટના ઠેકાણા નથી, ત્યાં વીજ સુવિધા સાથે મફત વીજળી આપીશું.