ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) બે તબક્કામાં સરેરાશ 64.33 ટકા મતદાન (Voting) થયા બાદ ભાજપ , કોંગ્રેસ , આપ અને અપક્ષો વચ્ચે કટોકટ રાજકિય જંગ બાદ હવે આજે તા.8મી ડિસે.ના રોજ ગુજરાતના મતદારોનો ફેંસલો જાહેર થશે, જેમાં ભાજપ સરકારનું પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન આવશે, તે મતગણતરીના આધારે આખરી ફેંસલો આવી જશે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી રાજ્યભરમાં મતગણતરી શરૂ થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામો આવી જશે. રાજ્યના મતદારોનું મન કળવું અઘરૂં છે પરંતુ તેઓ પુનરાવર્તન ઇચ્છે છે કે પરિવર્તન કરવા માગે છે તે ઇવીએમમાં કોના તરફી મત પડ્યાં છે તેની પર નિર્ભર છે. ભાજપેઅત્યાર સુધી છ વખત સરકાર બનાવી છે, જયારે કોંગ્રેસ માટે તેના રાજકિય અસ્તિત્વ ટકાવવા માટેનો આ જંગ છે. જયારે આપને ખાતુ ખોલાવવા આ ચૂંટણીમાં તક મળી છે. ભાજપ , કોંગ્રેસ તથા આપ દ્વારા ચૂંટણી વચનો આપવામાં આવ્યા છે.
બે તબક્કાની ચૂંટણીમાં રાજ્યના કુલ 4.91 કરોડ મતદારો પૈકી 3.16 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. બન્ને તબક્કામાં 1.69 કરોડ પુરૂષ અને 1.46 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે. રાજ્યમાં બન્ને તબક્કામાં કુલ 65 ટકા મતદાન થયું છે, જે પાછલી ચૂંટણીમાં 69.96 ટકા હતું. એટલે કે મતદારો વધ્યાં પણ મતદાનમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ મતદાનમાં થયેલો ઘટાડો કોને લાભ કરાવશે, તે આવતીકાલે નક્કી થશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે 69 મહિલા સહિત 788 ઉમેદવારો તેમજ બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 મહિલા સહિત 833 ઉમેદવારો મેદાનમાં છે. એટલે કે 2022ની ચૂંટણીમાં 70 મહિલાઓ અને કુલ 1621 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના બળવાખોરોએ પણ ચૂંટણી લડી છે.
આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 8.00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. અમદાવાદમાં 3 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 2 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 2 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એક સાથે મત ગણતરી શરૂ કરાશે.પી ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. મતગણતરી પહેલા સવારે પાંચ કલાકે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે.
મતગણતરીની વિડીયોગ્રાફી કરાશે
મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે.
પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી
રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરૂ કરાશે.
લોખંડી સુરક્ષા વ્યવસ્થા
પી ભારતીએ કહ્યું હતું કે તમામ કાઉન્ટિંગ સેન્ટર પર લોખંડી તથા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
મોબાઇલ ફોન પર પ્રતિબંધ
તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં.મીડિયા કર્મીને અંદર ફોન લઈ જવા દેવાશે