ગાંધીનગર : આજે જસદણ, પાટડી અને સુરત (Surat) પાસે બારડોલી (Bardoli) ખાતે જનસભાઓને સંબોધન કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે કહ્યું હતું કે પીએમ (PM) નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર – કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. જેના પગલે સિંચાઈ પણ થઈ રહી છે એટલું જ નહીં પીવાનું પાણી પણ મળી રહ્યું છે. કોંગ્રેસે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની જનતાને પીવાના અને ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રાખ્યા હતા. આ ઉપરાંત વધારાનું પાણી દરિયામાં જતું અટકાવી ત્રણ તબક્કામાં સૌની યોજના લાવી ડેમો, તળાવો, ઘરો અને ખેતરોમાં પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું છે. સમગ્ર વિસ્તારમાં પાણીની તરસ છીપાવવાનું કાર્ય ભાજપે કર્યું અને તેને પરિણામે વિકાસ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે.
શાહે જણાવ્યું હતું કે દુષ્કાળના સમયમાં સૌરાષ્ટ્રના મહેનતકશ ખેડૂતો સમગ્ર ગુજરાતમાં ખેતી કરવા જતા હતા. પરંતુ ત્યાં તેઓ જમીન ખરીદી ન શકતા કોંગ્રેસે કાયદો લાવેલો હતો કે ખેડૂત 8 કિલોમીટર દૂર ખેતીની જમીન ન ખરીદી શકે. ભાજપાએ આ કાયદો દૂર કરી સૌરાષ્ટ્રના ખેડૂતોની સંપત્તિ વધારવામાં ખૂબ મોટું કામ કર્યું છે.