ગુજરાત: ગુજરાતમાં (Gujarat) ચૂંટણીનો (Election) ઉત્સવ જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પાર્ટીએ (Party) પ્રચાર કરવાનું શરૂ કરી દીઘું છે. દરમ્યાન પ્રઘાનમંત્રી (PM) પણ ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. ફરીએકવાર એટલેકે 18 જૂને તેઓ ગુજરાતની મુલાકાત લેશે. પરંતુ આ વખતે તેઓનો ઉદ્દેશ માત્ર ચૂંટણી અંગેનો પ્રચાર કે ઉદ્ઘાટન નથી. તેઓ માટે 18 જૂનનો દિવસ ખૂબ ખાસ છે. આ દિવસે તેઓની માતા હીરાબાનો જન્મદિવસ છે. તેઓ પોતાનો 100મો જન્મ દિવસ ઉજવશે. ખાસ વાત એ છે કે હીરાબા પોતાના જીવનનો 100મો જન્મદિવસ પોતાના પુત્ર સાથે મનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનો જન્મ 18મી જૂન 1923ના રોજ થયો હતો. કોરોના મહામારીના કારણે મોદી છેલ્લા ધણાં સમયથી માતાને મળ્યા ન હતાં. મોદી છેલ્લે 11 માર્ચે માતાને મળ્યા હતા. ત્યારબાદ હવે ફરી એકવાર માતાનો જન્મદિવસ ખાસ બનાવવા તેઓ માતાના 100મા જન્મદિવસે ગાંધીનગર સ્થિત ઘરે આવશે.
મળતી માહિતી મુજબ તેઓ પોતાની બાળપણની યાદો સંકળાયેલા હોય વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન પણ કરાવ્યું છે. તેઓ પાવાગઢમાં મહાકાળી મંદિરનું ધ્વજારોહણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વતન વડનગર ખાતે સુંદરકાંડના પાઠ, ભજન સંધ્યા, શિવ આરાધના, ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પણ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના માતા હીરાબા હાલમાં રાયસણ ખાતે રહે છે, તે વિસ્તારના 80ફૂટના રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામકરણ કરવાનું ગાંધીનગર મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેઓ 18 જૂનના દિવસે વડોદરામાં આયોજીત એક સભામાં 4 લાખ લોકોને સંબોધીત પણ કરશે. ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. જેમાં વડાપ્રધાનના હસ્તે રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિભાગોના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યભરમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ (MMY)નો શુભારંભ કરાવશે. મહિલાઓની સગર્ભાવસ્થાથી માંડીને ૧,૦૦૦ દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધારો લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’નું પણ લોન્ચિંગ કરવામાં આવશે જે યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવશે.
18મી જૂને યોજાનારી પીએમ મોદીની બીજી મુલાકાતની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જર્મન ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા ખાસ ડોમની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓનું કાર્પેટિંગ, પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ પૂર્ણતાના આરે છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ સ્થળ પર મૂકવામાં આવશે.