ગુજરાત: ગુજરાતમાં (Gujarat) હવે ચૂંટણીને (Election) ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે. દરેક પાર્ટીના (Party) નેતા પોતાની પાર્ટીના પ્રચાર માટે રેલીઓ કાઢતા હોય છે તેમજ સભાઓ સંબોધતા હોય છે. આ સમયે અમદાવાદમાં (Ahmedabad) ચૂંટણી પ્રચાર માટે આવેલા પીએમની રેલીમાં ડ્રોન (Drone) ઉડાવવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિધાનસભાની ચૂંટણી 2022ના પ્રચાર માટે ગુજરાત આવેલા પીએમની રેલીમાં એક ખાનગી ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ (Police) દ્વારા 3 લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. તેમજ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જે 3 લોકો સામે એફઆઈઆર નોંઘવામાં આવી છે તે લોકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.
આ ડ્રોન અંગેના મામલે પોલીસ દ્વારા પૂછપરછ કરતા ડ્રોન ઉડાવનારને કોઈ પણ જાતની પરવાનગી આપવામાં આવી ન હતી. તેમજ આ ડ્રોન ખાનગી હતું. જાણકારી મળી આવી છે કે આ ડ્રોનને રેલીમાં નીચે ઉતારવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ડ્રોન રેલીમાં કે જ્યાં નો ફલાઈંગ ઝોનનો એરિયા હોય તેવા વિસ્તારમાં ઉડાવવામાં આવી રહ્યું હતું. આ ડ્રોનની હિલચાલ જોઈને પોલીસ તરત જ સતર્ક થઈ ગઈ હતી તેમજ ડ્રોનને નીચે ઉતારી દીધું હતું. પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તેઓએ આ ડ્રોન ચલાવતા 3 લોકોને જોયા હતા. આ લોકોને જોયા બાદ પોલીસે તરત જ તેઓને ડ્રોનને નીચે ઉતારવા માટેની સૂચના આપી હતી જો કે તેઓએ કોઈ પણ જાતની આનાકાની વગર આ ડ્રોનને નીચે ઉતારી દીધું હતું. આ ઉપરાંત પોલીસને જાણકારી મળી આવી હતી કે તેઓ આ ડ્રોનનો ઉપયોગ માત્રને માત્ર વીડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી માટે કરી રહ્યા હતાં.
પોલીસે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓના અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી તેમજ તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી. પરંતુ આ મામલો વડાપ્રધાન સાથે સંબંધિત હોવાથી પોલીસ આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ કરવા જઈ રહી છે. અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.