Gujarat

સૌરાષ્ટ્ર ઝોનની 54 વિધાનસભા બેઠકો કબજે કરવા ભાજપની કવાયત શરૂ

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકો ભાજપ (BJP) દ્વારા કબજે કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીની (Election) રણનીતિના ભાગરૂપે આજે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક મનાતા બી. એલ. સંતોષ ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પદાધિકારીઓ અને સાંસદો સાથે સંગઠનને મજબૂત કરવા મહત્વની બેઠક યોજી જરૂરી સુચનો, માર્ગદર્શન આપ્યું હતું.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકો કબજે કરે તે માટે સંગઠનને મજબૂત કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે રાજકોટ ખાતે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે બંધ બારણે પ્રદેશ ભાજપ સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે બેઠક યોજી સંગઠનને લગતા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મનાતા બી. એલ. સંતોષ આજે ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બે કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી મહત્વના ખાતાઓ તેમની પાસેથી લઈ લીધા છે. આજે બી. એલ. સંતોષે ગુજરાતની મુલાકાત દરમ્યાન રાજકોટ ખાતે સંગઠનની મહત્વની બેઠક યોજી છે, ત્યારે આગામી દિવસોમાં ભાજપ સરકારમાં મોટા ફેરફારો થાય તેવી અટકણોએ જોર પકડ્યું છે. જ્યારે જ્યારે બી.એલ. સંતોષ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે તે પહેલા જ ભાજપ સરકાર અને સંગઠનમાં આશ્ચર્યજનક ફેરફાર જોવા મળ્યા છે.

Most Popular

To Top