અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, તેમ તેમ તમામ પાર્ટીઓ (Party) મતદારોને રીઝવવા મેદાને પડી છે. આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં પાંચ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ આજે કોંગ્રેસે (Congress) પણ ચૂંટણી પહેલા જ સંકલ્પપત્રની જાહેરાત કરી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો, ખેડૂતોના ત્રણ લાખ સુધીના તમામ દેવાઓ માફ કરશે, તેમજ દિવસે 10 કલાક વીજળી મફત આપશે તેવી જાહેરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શુક્રવારે અમદાવાદ ખાતે કરી હતી.
આ ઉપરાંત કોંગ્રેસે પશુપાલકોને ૧ લીટર દૂધદીઠ રૂ.૫ સબસીડી, વીજચોરી કેસો પાછા ખેંચવા, ભ્રષ્ટાચારી નવી જમીન માપણી રદ તથા નવેસરથી માપણી, સહકાર સંસ્થાઓમાંને ભાજપના એકાધિકારવાદમાંથી મુક્તિ, તમામ મોટા ગામોમાં કૃષિ સહાયક કેન્દ્રો, ખેત ઉત્પાદનને ટેકાના ભાવથી નીચેની ખરીદી ઉપર પ્રતિબંધ અને ખરીદી ઉપર બોનસ, કેનાલ સિંચાઈના દરોમાં ૫૦ટકાનો ઘટાડો સહિતના મુદ્દાઓનો સંકલ્પ પત્રમાં જાહેરાત કરી છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપના ૨૭ વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વિમા સહિતના અનેક હક્કો ભાજપે ઝુંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિના ક્ષેત્રમાં દેશનું અવલ્લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના મહત્વકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરી હતી.
જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે ખેત ઉત્પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણદિઠ રૂ. ૨૦ બોનસ આપશે. સહકારી માળખામાં ભાજપે સીધી ઘુષણખોરી કરીને ભાજપના નેતાઓ મલાઈ ખાઈ શકે તે માટે ‘મેન્ડેટ’ પ્રથા દાખલ કરીને કાંધીયાઓને બેસાડીને સી. આર. પાટીલના એકાધિકારવાદમાંથી સહકારી સંસ્થાઓને મુક્તિ અપાવશે તેમજ સહકારી સંસ્થાઓમાં સહિલાઓની ૩૩ ટકા ભાગીદારી કાયદા દ્વારા સુનિશ્ચિત કરશે.
જમીન માપણીમાં રૂ.૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરીને કરેલી વિવાદાસ્પદ જમીન માપણી રદ કરી, ખેડૂતોને અને તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીન માપણી કરાવીને ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તે માટે હદ નિશાનના પથ્થરો પણ લગાવીને આધારભૂત નકશાઓ દરેક ગામમાં ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતને પૂનઃ વૈશ્વિક ‘મિલ્ક સ્ટેટ’નો દરજ્જો અપાવવા માટે દરેક પશુપાલકોને દુધના લીટરદીઠ રૂ.પાંચનું બોનસ/સબસીડી આપવાની સાથે, ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધના સ્ટોરેજ માટે મદદ કરાશે, પશુપાલકોને દરેક ગામમાં પશુઓ માટે વાડાની જમીનો ઉપલબ્ધ કરાવીને ‘માલધારી વસાહતો’ ઉભી કરાશે. માલધારી જો ખેડૂત ના હોય તો ખેતી/સાંથણીની જમીન ખરીદવા/ધારણ કરવાના અધિકારો અપાતાં નથી તે કાયદામાં ફેરકાર કરીને કોંગ્રેસ પક્ષની સરકાર માલધારીને જમીન ધારણ કરીને ખેડૂત બનવાનો અધિકાર આપશે. ખેડૂતો અને પશુપાલકોને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે દરેક ગામમાં ‘કૃષિ સહાયતા કેન્દ્ર’ની સ્થાપના કરાશે અને દરેક તાલુકાઓમાં એગ્રો બેઈઝડ નાના MSMEની સ્થાપના કરાશે. કોંગ્રેસની સરકાર સિંચાઈ નેટવર્કને કાર્યક્ષમ બનાવીને પાણીના ટીપે-ટીપાંનો સિંચાઈના ક્ષેત્રમાં કરકસરયુક્ત ઉપયોગ કરીને ખેડૂતોના સિંચાઈ દરમાં ૫૦ ટકાની રાહત આપશે તેમજ તળાવો-જળાશયોમાં જળની સંગ્રહિત ક્ષમતા બમણી કરવા માટે મોટાપાયે જળસંગ્રહ અભિયાન ચલાવાશે.
કોંગ્રેસની મહત્વની જાહેરાતથી આ ફાયદા થશે
(૧) વીજળીઃ વિના મૂલ્યે દિવસે વીજળી મળવાથી ખેડૂતો નિર્ભય રીતે પિયત વિસ્તાર વધારીને ખેત ઉત્પાદનમાં વધારો કરી શકશે. ખેડૂતોને સ્વ. વિજ વપરાશ તથા વધારાની વિજળી વેચી શકે તે માટે ”સોલાર-વીન્ડ મીની ફાર્મીંગ” માટે માતબર સહાય કરાશે. ખેડૂતો ઉપરના તમામ વિજચોરીના કેસો તથા દંડ માફ કરવામાં આવશે.
(૨) ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખેત પેદાશની ખરીદી ના થઈ શકે તેવો કાયદો કોંગ્રેસ પક્ષની સરકાર વિધાનસભામાં લાવશે અને છતીસગઢની કોંગ્રેસ સરકારના ધોરણે દરકે પ્રકારના ખેત ઉત્પાદનના વેચાણમાં ઓછામાં ઓછું રૂ.૨૦ બોનસ મણદીઠ (૨૦ કિલો દિઠ) ખેડૂતોના ખાતામાં ચૂકવાશે.
(૩) સહકારી સંસ્થાઓને ભાજપની ચુંગાલમાંથી મુક્તિઃ સહકારી માળખામાં હવે ભાજપે સીધી ઘુષણખોરી કરીને ભાજપના નેતાઓ મલાઈ ખાઈ શકે તે માટે ‘મેન્ડેટ’ પ્રથા દાખલ કરીને સહકારી પ્રવૃત્તિ અને સભાસદોને વફાદાર કાર્યકરોને હાંકી કાઢીને દરેક સંસ્થાઓમાં ભાજપના કાંધીયાઓને બેસાડવામાં આવી રહ્યા છે. ભાજપના જ આગેવાને સહકારી બેંકને ડુબાડીને ૯ મહિના જેલનો અનુભવ કરી આવ્યા છે તે સી. આર. પાટીલ આખા રાજ્યની સહકારી સંસ્થાઓના નિર્ણયો કરે છે. કોંગ્રેસની સરકાર કાનુનોમાં સર્વગ્રાહી ફેરફાર કરીને ભાજપ અને સી. આર. પાટીલના એકાધિકારવાદમાંથી સહકારી સંસ્થાઓને મુક્તિ અપાવશે.
(૪) નવી જમીન માપણી રદ કરીને પૂનઃ જમીન માપણી કરીને ગામ-ખેડૂતોને આધુનિક નકશાઓઃ ગુજરાતમાં રૂ.૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરીને ભાજપ સરકારે ખેડૂતો, ગૌચર, જંગલ, ગામતળ અને સાર્વજનિક હેતુઓ માટેની જમીનોના નકશાઓને રફે-દફે કરી નાખ્યા છે. ત્યારે કોંગ્રેસની સરકાર નવી જમીન માપણીને સંપૂર્ણપણે ફગાવીને ખેડૂતોને અને તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીન માપણી કરાવશે. એટલું જ નહીં પરંતુ હદ નિશાનના પથ્થરો પણ લગાવી દેશે. જેથી ભવિષ્યમાં પણ કોઈ વિવાદ થાય નહીં. આ માપણીને આધારે આધારભૂત નકશાઓ દરેક ગામમાં ઉપલબ્ધ કરાવાશે.
(૫) પશુપાલકોને લીટરદીઠ રૂ.૫ની સબસીડીઃ- ગુજરાતને પૂનઃ વૈશ્વિક ‘મિલ્ક સ્ટેટ’નો દરજ્જો અપાવવા માટે દરેક પશુપાલકોને દુધના દરકે લીટરદીટ રૂ.પાંચનું બોનસ/સબસીડી આપીને પશુપાલકો, ખેડૂતોની દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા વધારવા તથા પશુપાલકોની આવક વધારવામાં ગુજરાતની કોંગ્રેસની સરકાર મદદ પુરી પાડશે. દરેક ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધના સ્ટોરેજ માટેની મદદ કરાશે. આ ઉપરાંત પશુપાલકોને દરેક ગામમાં પશુઓ માટે વાડાની જમીનો ઉપલબ્ધ કરાવાશે. વિસ્તારોમાં ‘માલધારી વસાહતો’ ઉભી કરાશે.
(૬) દરેક માલધારીને ખેડૂતનો દરજ્જોઃ અત્યારે માલધારી જો ખેડૂત ના હોય તો ખેતીની જમીનખરીદવાના કે ખેતીની જમીન ધારણ કરવાના કે સાંથણીની જમીન ધારણ કરવાના અધિકારો અપાતાં નથી. કોંગ્રેસ પક્ષની સરકાર માલધારીને જમીન ધારણ કરીને ખેડૂત બનવાનો અધિકાર આપશે.
(૭) કૃષિ સહાયતા કેન્દ્રઃ ખેડૂતો અને પશુપાલકોને તમામ માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે તે માટે દરેક ગામમાં ‘કૃષિ સહાયતા કેન્દ્ર’ની સ્થાપના કરાશે. આ કૃષિ સહાયતા કેન્દ્રોમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાંત યુવાનોને રોજગારી પણ મળશે અને ખેડૂતો-પશુપાલકોને વૈજ્ઞાનિક માર્ગદર્શન અને એક જ સ્થળેથી બધી જ સહાયતા પ્રાપ્ત થશે.
(૮) દરેક તાલુકાઓમાં એગ્રો બેઈઝડ સ્ટાર્ટઅપ્સના કેન્દ્રોઃ ગુજરાતના દરેક તાલુકાઓમાં એગ્રો બેઈઝડ નાના MSMEની સ્થાપના કરાશે. ખેત ઉત્પાદનોમાં વેલ્યુ એડીશન કરીને ઉત્પાદનનું મુલ્ય મળે તે માટે અનેક પ્રોજેકટ હાથ ધરાશે.
(૯) કેનાલ આધારીત સિંચાઈ દરોમાં ૫૦ ટકાની રાહત : ગુજરાતમાં તમામ ડેમોનું બાંધકામ કોંગ્રેસની સરકારોએ શરૂ કરાવીને પૂર્ણ કર્યું હતું. નર્મદા સરદાર સરોવર ડેમનું ૮૦ ટકા કામ પણ કોંગ્રેસની સરકારોએ પૂર્ણ કર્યું હતું. પરંતુ ભાજપની સરકારોએ માત્ર સિંચાઈના દરો વધારવાનું કામ કર્યું છે. કોંગ્રેસની સરકાર સિંચાઈ નેટવર્કને કાર્યક્ષમ બનાવીને પાણીના ટીપે-ટીપાંનો સિંચાઈના ક્ષેત્રમાં કરકસરયુક્ત ઉપયોગ કરીને ખેડૂતોના સિંચાઈ દરમાં ૫૦ ટકાની રાહત આપશે.
(૧૦) મોટાપાયે જળસંગ્રહ અભિયાનઃ ગુજરાતમાં નાના તળાવો જળાશયોમાં સંગ્રહિત જળની ક્ષમતા બમણી કરવા માટે મોટાપાયે જળસંગ્રહ અભિયાન ચલાવાશે. ગામે ગામ નવાં તળાવો, ખેતતલાવડી, નદી-નાળાં ઉંડા કરવા જેવી પ્રવૃત્તિઓ ચલાવીને જળસંગ્રહની ક્ષમતા બમણી કરાશે.
(૧૧) લમ્પી વાયરસ, પુર સહિતની કુદરતી આફતમાં રાહતઃ ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે થયેલી મોટા પ્રમાણમાં પશુધનની જાનહાની, ભૂતકાળમાં મોટા પાયે થયેલી પુરમાં નુકસાની સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા અલાયદી જોગવાઈ કરવામાં આવશે.
(૧૨) છત્તીસગઢ સરકારની જેમ ગૌધન ન્યાય યોજના: ખેડૂતોને, પશુપાલકોને સક્ષમ અને પ્રગતિશીલ કરવા માટે છત્તીસગઢ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગૌધન ન્યાય યોજના લાગુ કરી ગુજરાતના લાખો ખેડૂતોને આર્થિક રીતે સમૃધ્ધ કરવામાં આવશે.