ગાંધીનગર : ભાજપના (BJP) નવા ચૂંટાયેલા 156 જેટલા ધારાસભ્યોની મહત્વની બેઠક આવતીકાલે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે યોજાનાર છે. આ બેઠકમાં ભાજપના ત્રણ કેન્દ્રિય નિરીક્ષકો – રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા તથ કેન્દ્રિય મંત્રી અર્જુન મુન્ડા પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ભાજપના વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી તથા પસંદગી કરાશે. કમલમ કાર્યાલય ખાતે આ બેઠકના પગલે આજે સીનિયર નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આવતીકાલે યોજાનાર બેઠકના સંદર્ભમાં ચર્ચા થઇ હતી.
ભાજપના ત્રણ કેન્દ્રિય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભા પક્ષના નવા નેતાની વરણી કરાશે. જેમાં એક લીટીનો ઠરાવ પસાર કરીને ભૂપેન્દ્ર પટેલની પંસદગી કરાશે . બેઠક બાદ ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળીને ભાજપના વિધાનસભા પક્ષની બેઠકમાં પસાર કરાયેલો ઠરાવ તથા ભાજપને મળેલી કુલ બેઠક તથા વિજયી બનેલા ઉમેદવારોની યાદી સુપરત કરશે.જેના પગલે રાજયપાલ દ્વારા ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવશે. તા.12મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડમાં શપથ વિધી યોજાનાર છે.