મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની (Chief Election Commissioner Rajiv Kumar) આગેવાની હેઠળ ભારતના ચૂંટણી પંચની એક ટીમે ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Election) તૈયારીઓની સમીક્ષા કરી હતી. ટીમે સોમવારે ગુજરાતમાં (Gujarat) અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ચૂંટણીની (election) તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ આજે એટલે કે મંગળવાર 27 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
- મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી
- સમીક્ષા બાદ ઇલેક્શન કમિશનની ટીમે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી
- કોઈ પક્ષ ગુનાહિત છબી ધરાવતા વ્યક્તિને ટિકિટ આપે તો ટિકિટ આપવા પાછળ યોગ્ય કારણ જણાવવું પડશે
- ઉમેદવારે ઓછામાં ઓછી ત્રણ વખત તેના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવી પડશે
- રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 13 અનુસૂચિત જાતિ અને 27 અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે અનામત
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગાંધીનગરમાં આયોજિત આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4.83 કરોડ નોંધાયેલા મતદારો છે. તેમણે માહિતી આપી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની 182 વિધાનસભા મતવિસ્તારોમાં 51 હજાર 782 મતદાન મથકો બનાવવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે બેઠક યોજી હતી અને આગામી વિધાનસભા ચૂંટણીના સંચાલન મુક્ત અને સુચારુ સંચાલનના વિષય પર ચર્ચા કરી હતી. ચૂંટણી પંચે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો કોઈ પક્ષ ગુનાહિત છબી ધરાવતા વ્યક્તિને ટિકિટ આપે તો ટિકિટ આપવા પાછળ યોગ્ય કારણ જણાવવું પડશે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે ઉમેદવારે ઓછામાં ઓછી ત્રણ વખત તેના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવી પડશે જેથી મતદારો સરળતાથી નિર્ણય લઈ શકે.
કોને કેટલી સીટો ફાળવાશે
રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 13 અનુસૂચિત જાતિ અને 27 અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે અનામત છે. કુલ 51 હજાર 782 મતદાન મથકોમાંથી 17 હજાર 506 શહેરી વિસ્તારોમાં જ્યારે 34 હજાર 276 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવશે. કુલ 1274 મતદાન મથકો સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. એટલું જ નહીં અડધા મતદાન મથકો પરથી ડાયરેક્ટ વેબકાસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.