Gujarat

કમલમમાં જશ્નનો માહોલ: રુપાણીએ કહ્યું- શહેર કરતાં પણ ગામડામાં સારૂં પરિણામ મળ્યું, કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નથી

કમલમ ખાતે વિજયની (Winner) ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. ભાજપને મળેલી જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (C M Rupani) કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે તેવી ચર્ચાઓ ચાલતી હતી પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજો હારી ગયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં વિપક્ષ માટે પણ લાયક નથી રહી. જે રીતે ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે જ બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિતભાઇ શાહનું ગુજરાત છે. રૂપાણીએ કહ્યું કે સીઆર પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુરજાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Election) ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. 2015માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ જ્યારે જીત તરફ આગળ વધી રહી છે ત્યારે સીએમ રૂપાણી અને સી.આર. પાટીલ કમલમ્ ખાતે પહોંચ્યાં હતાં. ત્યાં સી.આર. પાટીલે જણાવ્યું કે,  ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જનતા સાથેના કામ અને સહકાર અને સરકારે કરેલા કામોનું પરિણામ દેખાઇ રહ્યું છે. 2015માં ભાજપને જે કાંઇપણ નુકસાન થયું હતું તેનો બદલો આજે આજે મળ્યો છે.

જણાવી દઈએ કે રાજ્યની (Gujarat) 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. આજે એટલે મતગણતરી (Voting) થઈ રહી છે જેમાં હાલ ભાજપ આગળ વધી રહી છે. જોકે સંપૂર્ણ પરિણામ મોડી સાંજે જાહેર થશે. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે. 

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ છે. 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જેમાં ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જેમાં તમામ ભાજપને ફાળે આવી છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જેમાં ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

2015માં શું સ્થિતિ હતી?

2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કોંગ્રેસને 595 જ્યારે ભાજપને 368 બેઠકો મળી હતી. જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. 81 નગરપાલિકાઓમાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને ફાળે 205 બેઠકો ગઈ હતી. જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને લીડ મળી હતી. જ્યારે, નગરપાલિકાઓમાં ભાજપને લીડ મળી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top