Gujarat

ત્રાસેલા લોકોને અચ્છે દિન નથી જોઈતા, મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ છે: કોંગ્રેસ

અમદવાદ: ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો સતત વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, ભાજપ સરકાર જાહેરાતોમાં વ્યસ્ત છે અને કાળાબજારીયા-સંગ્રાહખોરો મસ્ત છે, તેવામાં રાંધણ ગેસ સિલિન્ડરના અઢીગણા ભાવ વસુલીને ભાજપ સરકાર રીતસરની લૂટ ચલાવી રહી છે, બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો-કાળા બજારીયાઓની લૂંટને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે, ત્યારે બેફામ મોંધવારીથી જનતાનું જીવન મુશ્કેલ બની ગયું છે, તેવામાં લોકોને અચ્છે દિન નથી જોઈતા, મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ છે, એમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારનાં અણઘડ વહીવટ અને તેલ મિલરોની સાઠગાંઠથી જનતા પરેશાન થઈ છે.

રોજિંદા જીવનમાં વપરાતી દવાઓમાં ૧૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે. સીએનજીનાં ભાવમાં વર્ષ ૨૦૧૩માં ૩૫.૦૨ પ્રતિ કિલો હતો જે આજે ૮૩ પ્રતિ કિલો જેટલો જંગી થયો છે. કિરાણા ખર્ચમાં છ મહિનામાં 9.3 ટકા અને બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો ગૃહિણીઓ સામનો કરી રહી છે. કપાસિયા અને સિંગતેલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. તેલ, મસાલા, સાબુ, સોડા, સહિતની જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ થી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે.
રાંધણ ગેસ સિલિન્ડરના અઢી ગણા ભાવ વસુલીને ભાજપ સરકાર સતત લૂટ ચલાવી રહી છે.

ભાજપ સરકારે જનતા સાથે છેતરપિંડી – વિશ્વાસઘાત કર્યાનો આરોપ મુકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૪૧૪ હતા જે વર્ષ ૨૦૨૨માં રૂ. ૧૦૦૦ને ઓળંગી ગયો છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત આપવા માટે ગેસ સિલિન્ડર (એલ.પી.જી.)માં સબસીડી રૂ. 39,558 કરોડ આપી હતી. વર્ષ 2013-14માં કોંગ્રેસ સરકારે રૂ. 46,458 કરોડની સબસીડી આપીને જનતાને રાહત આપી હતી, જે મોદી સરકારે 2015-16માં 18 કરોડ અને વર્ષ 2016-17માં સબસીડી શૂન્ય કરી દીધી. રાંધણ ગેસ સિલિન્ડરના અઢીગણા ભાવ વસુલીને ભાજપા સરકાર સતત સિસ્ટમ લૂટ ચલાવી રહી છે.

છેલ્લા આઠ વર્ષમાં પેટ્રોલ – ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અસહ્ય વધારો કરાયો
જીવન જરૂરિયાતની રોજબરોજની વસ્તુઓ અને દૂધ, દહી, છાસ, શાકભાજીના આસમાનને આંબતા ભાવથી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે ત્યારે કોઈપણ ટીકા, વિક્ષેપ કે આક્ષેપ વગર કોંગ્રેસ પક્ષ પુછવા માંગે છે કે, વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ પર રૂ. ૯.૪૮ પ્રતિ લીટર અને ડીઝલ પર રૂ. ૩.૫૬ પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી વસુલવામાં આવતી હતી. વર્ષ ૨૦૨૨માં મે ૨૧ સુધી પેટ્રોલ પર રૂ. ૨૭.૯૦ પ્રતિ લીટર અને ડીઝલ પર રૂ. ૨૧.૮૦ પ્રતિ લીટર જંગી એક્સાઈઝ ડ્યુટી વસુલવામાં આવી. છેલ્લા આઠ વર્ષમાં પેટ્રોલ – ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અસહ્ય વધારો કરી પ્રજાના ખિસ્સામાંથી લુંટેલા ૨૭ લાખ કરોડનો હિસાબ ભાજપ સરકાર ક્યારે આપશે ?

Most Popular

To Top