ગાંધીનગર : કર્ણાટકમાં (Karnataka) કોંગ્રેસને (Congress) મળેલા વિજય બાદ હવે પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાયો છે. જેના પગલે લોકસભાની ચૂંટણી (Election) પહેલા ગુજરાતમાં નવા કોંગ્રેસ પ્રમુખની વરણી માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પદ છોડવાની તૈયારી દર્શાવી દીધી છે.
નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા માટે થઈને પોતાના અભિપ્રાય રજૂ કરશે. અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરિયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. જયા તેમના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી માટે પોતાનો મત રજૂ કરાશે. ત્યાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા નવા પ્રદેશ પ્રમુખની વરણીની જાહેરત કરાશે.
૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ૧૭ બેઠકો જ મળી છે. જેના પગલે હવે લોકસભાની ચૂંટણીના મામલે પાર્ટી નેતાગીરી ફૂંકી ફૂંકીને ચાલી રહી છે.ભાજપના ગુજરાતના અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ ૨૬ બેઠકો ૫ લાખ મતોની સરસાઈથી જીતવા માટે કાર્યકરોને ચૂંટણી જંગ જીતવા સજ્જ થઈ જવા આહવાન કર્યુ છે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ પણ રાજયવ્યાપી જનમંચ કાર્યક્રમ દ્વારા પ્રજાજનોની ફરિયાદ સાંભળવાના કાર્યક્રમ સાથે પ્રજાની વચ્ચે જઈ રહ્યાં છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.