ગાંધીનગર : આગામી તા.12મી ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન (CM) પદે ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટના સભ્યોની શપથ વિધી યોજાશે. રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના સભ્યોને હોદ્દો તથા ગુપ્તતાન શપથ લેવડાવશે.આજે દિવસ દરમ્યાન ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલયના પાછળ હેલીપેડ ગ્રાઉન્ડમાં શપથ વિધી માટે શમિયાણો બાંધવાની કવાયત તેજ બની હતી.
બીજી તરફ પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં બેઠકોનો દોર યોજયો હતો. જેમાં પોતાના મંત્રીમંડળના સંભવિત સાથીઓના નામો પર ચર્ચા કરી હતી. ખાસ કરીને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રિય મોવડીમંડળ સાથે પણ ચર્ચા ચાલી રહી છે. છેવટે કેબિનેટના સભ્યોની યાદી પર પીએમ નરેન્દ્ર મોદી મંજૂરીની મ્હોર મારશે. આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, તેમાં ભાજપની નેતાગીરીની નજર ગુજરાતની 26માંથી 26 બેઠક પર છે. એટલે જ્ઞાતિ તથા વિસ્તારના સમીકરણો ધ્યાને લેવાશે. નવા તથા જૂના ધારાસભ્યો તથા યુવા અને મહિલા ધારાસભ્યોને પણ એટલું જ મહત્વ અપાશે.આ બધાની વચ્ચે રાજકીય સમતોલન જાળવવાનો પ્રયાસ કરાશે.
કેબિનેટમાં કેટલી મહિલા અને કેટલા યુવાનોને પ્રાધાન્ય આપવું તેની ચર્ચા પાર્ટીની બેઠકમાં થઈ છે. ચૂંટણીમાં જેમ ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિને મહત્વ આપવાનું આવ્યું છે તેમ કેબિનેટની રચનામાં જ્ઞાતિ અને વિસ્તારને પણ મહત્વ આપવામાં આવે તેવો સંકેત પ્રદેશ ભાજપના કમલમ કાર્યાલયમાંથી પ્રાપ્ત થયા છે. ભાજપને ગુજરાતના પ્રત્યેક 33 જિલ્લામાંથી 156 વિક્રમી બેઠકો મળી છે તેથી કેબિનેટની રચનામાં કોને સમાવવા તે મોટો પડકાર છે. શપથવિધિની સાથે સાથે કેબિનેટની રચનાનું કામ પણ મહત્વનું છે. આ પ્રક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય નિરીક્ષકોની ભૂમિકા મહત્વની રહેશે.
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી હવે 2024માં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ વખતે જે મંત્રીમંડળ રચાશે તેમાં કેટલાક જગ્યાઓ ખાલી રાખવામાં આવે તેમ માનવામાં આવે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે 2024માં ભૂપેન્દ્ર પટેલની સરકારનું ચોક્કસથી વિસ્તરણ કરવામાં આવશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલની નજીકના સૂત્રોના કહેવા મુજબ નવી સરકારની રચના પછી બ્યુરોક્રેસી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓની મોટાપાયે બદલીઓ થવાની શક્યતા જોવાય છે. સરકારના વિવિધ વિભાગો તેમજ પોલીસમાં પણ ફેરબદલ નિશ્ચિત છે. રાજ્યના સાત શહેરોમાં પોલીસ કમિશનર, રાજ્યની આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરો ઉપરાંત પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓ બદલાશે. ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમજ કેબિનેટના મંત્રીઓના અંગત સ્ટાફમાં પણ મોટી ઉલટફેર કરવામાં આવી શકે છે.
ગાંધીગરમાં નવી સરકારની કેબિનેટની રચના, બ્યુરોક્રેસીના ફેરફારો, પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રમાં જે ફેરફારો થશે તેમાં હાઇકમાન્ડનું માર્ગદર્શન રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તમામ નિયુક્તિઓનો બારીકાઇથી અભ્યાસ કરીને પ્રક્રિયા શરૂ કરશે.