ભરૂચ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે. જે બાદથી વિવિધ મીડિયા સંસ્થાનો દ્વારા એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા છે, એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ફરીથી ભાજપની (BJP) સરકાર બની રહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, તેમજ ભૂતકાળની ચૂંટણીઓ કરતાં વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, તેવામાં હવે એક્ઝિટ પોલ બાદથી જ રાજકીય માહોલ પણ ગરમાયો છે.
- હવે એક્ઝિટ પોલ બાદથી જ રાજકીય માહોલ પણ ગરમાયો
- પ્રજાને સજાગ થવાની જરૂર છે, પરિણામ વિરુદ્ધમાં આવે તો હંગામો કરી નાંખજો : છોટુભાઈ વસાવા
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપરથી સતત સાત ટર્મથી ધારાસભ્ય રહેલા અને વર્તમાન ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર છોટુભાઈ વસાવાએ ગુજરાત ચૂંટણી અંગે રજૂ થયેલા એક્ઝિટ પોલ સામે સવાલો ઊભા કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લાઈવ આવી ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. છોટુ વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, એક્ઝિટ પોલ જોતા લાગે છે કે ચોક્કસ સેટિંગ કર્યું હશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રજાને સજાગ થવાની જરૂર છે, પરિણામ વિરુદ્ધમાં આવે તો હંગામો કરી નાંખજો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરજો. સાથે જ તેઓએ જણાવ્યું છે કે, બધી સભા ફ્લોપ જતી હોય તો એ જીતવાની અપેક્ષા કંઈ રીતે રાખી શકે છે. બેલેટથી ચૂંટણી કરાવવાનું મિશન ઉપાડવું પડશે, બાકી બનાવટ કરી આ લોકો રાજ કરશે તેવું વિસ્ફોટ નિવેદન છોટુ વસાવાએ આપ્યું છે.
છોટુ વસાવાએ નિવેદનમાં અદાણી, લદાણી, ફાદાણી જેવા શબ્દોનું ઉપયોગ કરી જણાવ્યું હતું કે, આ સરકાર છે, લોકતંત્રની સરકાર નથી તેમજ ઇવીએમ ભારતના મૂળ નિવાસી લોકોના વિરુદ્ધમાં હોવાનું જણાવી આગામી લોકસભાની ચૂંટણીને જાકારો આપી ઇવીએમનો વિરોધ કરો તેમ જણાવી તેઓએ આરએસએસ ઉપર પણ ગંભીર આક્ષેપો પોતાના વાયરલ કરેલા વિડીયોમાં કર્યા હતા.