ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) બીજા તબક્કાની 93 બેઠકો માટે આવતીકાલે સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થવાનો છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર ગુજરાતમા કાંકરેજ , પાટણ સીટી , મધ્ય ગુજરાતમાં સોજીત્રા તથા રાત્રે અમદાવાદમાં સરસપુર વિક્રમ મિલ કંમ્પાઉન્ડ ખાતે ચાર સભાઓ ગજવી હતી. છેલ્લા બે મહિનામાં સરકારી તથા પાર્ટીના 61 કાર્યક્રમોમાં પીએમ મોદી હાજર રહયા છે. ભાજપની કુલ 38 જેટલી સભાઓને પીએમ મોદીએ સંબોધિત કરી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન પીએમ મોદીએ 110 કરતાં વધુ બેઠકોને આવરી લીધી છે. પીએમ મોદીએ આજે તેમની ચારેય સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. જે લોકોએ સરદાર સરોવર નર્મદા ડેમ અટકાવ્યો તે જ લોકોના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા પદ યાત્રા કરી રહ્યા છે.
આંજે સવારે કાંકરેજ ખાતે પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલા ચરણમાં જે મતદાન થયું છે તેના સમાચાર મળ્યા છે કે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે. તેમણે જણાવ્યું હતું કે , મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સરદાર સરોવર ડેમ ન બને તેના માટે જેટલા રોડા નાખવા પડે તેટલા નાખ્યા અને જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો તેમના ખભે હાથ મુકી કોંગ્રેસના નેતા પદ યાત્રા કરે છે. આ કોંગ્રેસને જેમા પોતાનો સ્વાર્થ ન દેખાય, પોતાનું ભલુ ન થાય તેવા કામ કરવાના જ નહી તેવો સ્વભાવ છે. આજે ભાજપ સરકારે નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડ્યુ છે.
બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે.. જે કહુ તે કરુ એનું નામ મોદી, જે નહી થાય તેવું હશે તો સામેથી કહીશ કે નહી . તેમણે કહયું હતું કે મહેસાણા-આબુ-અંબાજી તારંગા લાઇન અંગ્રેજોના સમયમાં ચર્ચા થઇ પણ કોંગ્રેસની સરકારે કામ જ ન કર્યુ અને ભાજપ સરકારે અંબાજી તારાગા રેલવે લાઇન બનાવી રહી છે જે આબુ સુધી જશે અને મહેસાણા જીલ્લાનો નવો ઉદય થશે. ગુજરાતમાં ભાજપ સરકારે પ્રવાસન સ્થળ વિકસાવ્યા છે.
તેમણે જનતા પ્રશ્નો પૂછયાં હતા કે , અમે કામ કર્યુ હોય તો જ અમને ચૂંટણીમાં મત આપજો, અમે આપનું ભલું કરવા દિવસ રાત મહેનત કરી હોય તો જ મત આપજો, ઇમાનદારીથી તમારી સેવા કરી હોય તો મત આપજો, તમારા સંતાનોનું ભવિષ્ય ઉજવળ બનાવવું હોય તો અમે તમને ગેરંટી આપીએ છીએ. દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય, ભ્રષ્ટાચારીઓને કોઇ સજા પણ ન થાય, હજારો કરોડના ગોટાળા છાશવારે છાપામાં આવતા. આજે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે તેના કારણે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. જે દેશને લુટી ગયા છે તેમણે દેશને પાછુ આપવુ પડે કે નહી તેમ સવાલ કર્યો. કોંગ્રેસ ગરીબોનું ખાય જાય છે એટલે લોકો તેને સજા આપે છે.
કોંગ્રેસ જ્યારે ઈવીએમને કોષવાનું ચાલું કરે ત્યારે સમજવું કે તે હારી જવાની છે: પાટણમાં મોદી
પીએમ મોદીએ પાટણ સીટીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે મારા માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ જયારે ઇવીએમને કોષવાનું ચાલુ કરે એટલે સમજી જવાનું કે કોંગ્રેસે હાર માની લીધી છે. કોંગ્રેસની વિશેષતા એ છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો આપવાની અને ચૂંટણીનું મતદાન આવે એટલે ઇવીએમને ગાળો આપવાની. આ ચૂંટણીમાં કોગ્રેસે હાર સ્વિકારી લીધી છે. કોંગ્રેસને ચૂંટણીમાં બે જ રસ્તા સુજે છે એક તો ચૂંટણી સમયે મોદીને ગાળો બોલવાની અને ઇવીએમ પર દોષ ઠાલવવાનો. ગુજરાતની જનતાને ભાજપ પર ભરોસો છે. આજે ભાજપ ભરોસાનું પ્રતિક બની ગયું છે. ભાજપે જનતાનો ભરોસો એમ ને એમ નથી મેળવ્યો,તપસ્યા કરી છે,પગ વાળીને બેઠા નથી,સત્તા સુખ ભોગવ્યુ નથી, અમે અમારા માટે જીવ્યા નથી, જે કર્યુ તે અમારી જનતા માટે કર્યુ છે. ભાજપ જે કહે તે કરે તેના કારણે વિશ્વાસનું વાતાવરણ વધ્યુ છે.
કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો, દેશની એકતા સામે પણ વાંધો: સોજીત્રામાં મોદી
આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહયું હતું કે , આ ચૂંટણીમાં આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થશે. ગુજરાતમાં જયા જયા જવાનો અવસર મળ્યો ત્યા ચારેય એક જ નાદ સંભળાય છે કે અબ કી બાર ફીર મોદી સરકાર.ગુજરાતના જવાનિયાઓએ આ વખતે આવનાર 25 વર્ષના ભવિષ્યને ઉજ્જળુ કરવાનું બીડુ ઉઠાવ્યું છે. 89 બેઠકોની ચૂંટણીનું મતદાન થયું છે. હવે તો દેશ ભરના નાગરીકો સમજી ગયા છે કે ચૂંટણીના બે દિવસ પહેલા કોંગ્રેસ ઇવીએમમાં ગરબડ છે તેમ કહે તેનુ કારણ ગુજરાતમાં ચૂંટણી હારી રહી છે. કોંગ્રેસનુ કામ આખી ચૂંટણીમાં મોદીને ગાળો દેવાનું અને મતદાન પછી ઇવીએમને ગાળો આપવાનું, કોંગ્રેસનો આ ખેલ દેશના બાળકો પણ સમજી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો, અને દેશની એકતા સામે પણ વાંધો કારણ કે તેમનું રાજકારણ ભાગલા પાડો અને રાજ કરો તે હતું.
સરદાર સાહેબને ક્યારેય પોતાના ગણ્યા નથી. કોંગ્રેસ વાળા આવે તો એક સવાલ પુછજો કે સરદાર વલ્લભ ભાઇ પટેલ કોંગ્રેસમાં હતા ?. આ સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યુ હતું ?, અને ત્રીજુ સરદાર સાહેબનું સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટુ સ્મારક બન્યું છે ત્યા ગયા છો ?. કોંગ્રેસના લોકો એ ત્યા જવું જોઇએ કે નહી ? તેવો સવાલ કર્યો. ગુજરાતમાં કોંગ્રેસે જાત-જાતને લડાવી, એક ગામને બીજા ગામ અને ગામડાને શહેર જોડે લડાવવાનું કામ કર્યુ તેના કારણે ગુજરાત નબળુ પડયું. ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં કરફ્યુ રોજની વાત હતી.એકતાના કારણે આજે ગુજરાતની જનતા એકતા માટે મત આપતી આવી છે અને 20 વર્ષથી ગુજરાત શાંત અને ભાઇચારાથી જીવે છે. આજે ગુજરાત દેશભરમાં નવી ઉંચાઇ પર છે.પાવગઢમાં કાળીમાતા બીરાજે છે. 500 વર્ષ પહેલા આક્રંતાઓએ મહાકાળીનું મંદિર ધ્વસ્ત કર્યુ અને 500 વર્ષ સુઘી શિખર ન બન્યું આ કોંગ્રેસની ગુલામીની માનસીકતા છે. ભાજપ સરકાર આવી અને પાવાગઢના શિખર પર ધ્વજ ફરકે છે તે જનતાના એક મતની તાકાત છે.