Gujarat

ભાજપની પ્રદેશ નેતાગીરી ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) ભારે ખેંચતાણ અને જૂથબંધી તેમજ નારાજગી ખૂલીને બહાર આવી છે, અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત ભાજપમાં (BJP) આગેવાનો-કાર્યકરો હાઈકમાન્ડની સામે પડ્યા છે. આ વખતે પ્રદેશ ભાજપ નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે.

પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ, દિનુ મામાની ટિકિટ કપાતા ભાજપથી નારાજ થયા છે, અને ભાજપમાંથી રાજીનામું આપી તેમણે અપક્ષ ઉમેદવારી કરી છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના બાયડમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એક સમયે અલ્પેશ ઠાકોરના જોડીદાર હતા. અલ્પેશ ઠાકોરની આંગળી પકડીને તેઓ તેમની પાછળ પાછળ જતા હતા, પરંતુ આ વખતે અલ્પેશ ઠાકોરને પણ ટિકિટ મેળવવામાં પરસેવો છૂટી ગયો હતો. તેવામાં અલ્પેશ ઠાકોર ધવલ સિંહ ઝાલાની ટિકિટ માટે ભલામણ કરી શકે તેવા કોઈ સંજોગો હતા નહીં.

બીજી તરફ બાયડમાંથી ભાજપે ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા ધવલસિંહ ઝાલા નારાજ થયા અને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી, બાયડમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ ધવલસિંહ ઝાલા હવે ભાજપની સામે જ અને એક સમયના તેમના સાથીદાર અલ્પેશ ઠાકોરની સામે મેદાને જંગમાં છે. પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા પણ ભાજપથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દીનુ મામાને મનાવવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે નિષ્ફળ નીવડ્યા હતા.

તેવી જ રીતે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકીટ કપાતા તેઓ પણ ભાજપ સામે બાયો ચડાવી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તવને પણ મનાવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ તેમાં પણ ભાજપ પ્રદેશ નેતૃત્વને નિરાશા મળી હતી. આ ઉપરાંત નાદોંદમાં પણ પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ધાનેરામાં પણ માવજી દેસાઈએ ભાજપથી છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

Most Popular

To Top