ગાંધીનગર : આજે અમદાવાદમાં (Ahmedabad) મહત્વના ત્રણ સમારંભોમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે પોતાના પ્રવચનમાં કોંગ્રેસ તથા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. શાહ વિધાનસભાની ચૂંટણીની ભાજપની તૈયારીઓ પણ જોઈ રહ્યાં છે. આજે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે મહત્વના ત્રણ સમારંભોમાં હાજરી આપી હતી. અમદાવાદ મનપા સંચાલિત 3 સહિત અને ગાંધીનગરની એક એમ 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ, છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ડયુટી મીટ તથા સાંજે 36મી નેશનલ ગેમ્સ-2022નો કર્ટેન રેઝર અને 11માં ખેલ મહાકુંભનો સમાપન સમારંભ કાંકરીયા ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો.
શાહે કહ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી ભાજપના શાસનમાં ગુજરાતનો વિકાસ ચાલી રહ્યો છે. ગુજરાત તેમના નેતૃત્વમાં મોડલ બન્યુ છે. ચૂંટણી નજીક આવે એટલે તેમાં બે પ્રકારના લોકો હોય. એક એવા જે પાંચ વર્ષ સેવા કરીને રાજનીતિના માધ્યમથી ચૂંટણી લડે છે. અને બીજા એવા હોય જે પાંચ મહિના પહેલા નવો લહેંગો ઝભ્ભો સીવડાવીને લોકો વચ્ચે કેટલાક લોકો આવી ચઢે છે અને વચનોની લ્હાણી કરે છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને વિશેષ અમદાવાદની જનતા આ કાર્યશૈલી સમજે છે. ગુજરાતમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. એક સમયે જ્યારે રમખાણો થતા હતા, લાંબો સમય કરર્ફ્યુ રહેતો હતો. શહેરમાં ગયેલો માણસ નારણપુરા કે વાડજ પાછો આવશે કે નહિત તે માટે બહેનો માળા જપતી હતી. પરંતુ હવે ગુજરાતમાં કર્ફ્યૂ ભૂતકાળ બન્યો છે. ગુજરાતના છોકરાને 20 વર્ષથી કર્ફ્યૂનો અનુભવ નથી થયો. આજે શરીર દાગીના લાદીને ગજરાતની દીકરી રાત્રે 12 વાગ્યે ગરબા રમવા જાય છે, અને માતાપિતા આરામથી ચિંતામુક્ત થઈને સૂઈ જાય છે. આ પરિવર્તન ભાજપે આપ્યું છે