ગાંધીનગર: આવતીકાલે તા.3જી ડિસે.ના રોજ સાંજે પાંચ વાગ્યે બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 જેટલા ઉમેદવારો ચૂંટણી (Election) જંગમાં છે. જેમાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ તથા આપની વચ્ચે સીધો અને ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.
બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં યોજાનાર મતદાન માટે કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. જેમાં 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે દિવસ દરમમયાન કાંકરેજ , પાટણ , સોજીત્રા તથા અમદાવાદમાં સરસપુર ખાતે ચાર જેટલા વિજય સંકલ્પ સંમેલનોને સંબોધન કર્યુ હતું. જયારે કોંગ્રેસે પણ મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યુંહતું. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે પણ વડોદરામાં રોડ શો સાથે સભાને સંબોધન કર્યુ હતું.