ગાંધીનગર: આગામી તા.1લી ડિસે.ના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે સાંજે પ્રચાર પડઘમ શંત થયા છે. સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ ગુજરાત19 જિલ્લાની 89 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઈવીએમની (EVM) મદદ વડે મતદાન (Voting) થશે. જયારે દરેક ઈવીએમની સાથે વીવીપેટ મશીન પણ જોડાયેલા રહેશે. આ તમામ 89 બેઠકો પર ભાજપ , કોંગ્રેસ તથા આપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા તથા 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે. 89 બેઠકો પર 25430 જેટલા મતદાન મથકો આવેલા છે.
2017ની ચૂંટણીમાં 89 બેઠકોનું પરિણામ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 48 તથા કોંગ્રેસને 38 બેઠકો મળી હતી. જયારે 3 બેઠકો અન્યને મળી હતી. 2017માં ભાજપને આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતે સત્તા અપાવી હતી. બાકી ભાજપના હાથમાથી સત્તા જતી રહી હોત. એકલા સુરત-શહેર જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપને મળી, જેના કારણે ભાજપની લાજ રહી ગઈ હતી. આ વખતે ભાજપ અને કોંગ્રેસે આ બન્ને ઝોનમાં બેઠકો વધારવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ છે. તેવી જ રીતે આપ પણ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે. સૌરાષ્ટ્ર – કચ્છની 54 બેઠકોમાંથી ભાજપને 54માંથી 23 બેઠકો મળી હતી.જયારે કોંગીને 30 તથા કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાનો વિજય થયો હતો. ખાસ કરીને જામનગર , જુનાગઢ , ગીર સોમનાથ અને અમેરલી જિલ્લામાં ભાજપને ભારે રાજકિય નુકસાન થયુ હતું. ભાજપને માત્ર 23 બેઠકો મળતા 2017મા ભાજપ 99 બેઠકો સાથે સમેટાઈ ગયુ હતું. દક્ષિણ ગુજરાતમાં 35 બેઠકોનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમા ભાજપને 25 , કોંગ્રેસને 8 અને બીટીપીને 2 બેઠકો મળી હતી. એકલા સુરત શહેર તથા જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપને મળતા પાર્ટીને ગાંધીનગરમાં સત્તા મળી હતી. 27 જેટલી રાજયની અનામત આદિવાસી બેઠકો પૈકી 14 બેઠકો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. આ 14 આદિવાસી અનામત બેઠકોમાંથી 2017ની ચૂંટણીમાં કોંગીને 7, ભાજપને 5 અને બીટીપીને 2 બેઠકો મળી હતી.
788 ઉમેદવારો પૈકી 167 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસવાળા
રાજયમા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે હાલમાં 788 ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે. તે પૈકી 167 જેટલા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેવુ તેમના સોગંદનામાં જણાવવામાં આવ્યુ છે. 2017ની ચૂંટણી વખતે 923 ઉમેદવારોમાંથી 137 જેટલા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. 167 જેટલા ચૂંટણી લડી રેહલા ઉમેદવારોમાંથી 100ની સામે ગુનાઓ દાખલ થયેલા છે.
એસો. ઓફ ડેમોક્રેટિક રિફોમ્સ (એડીઆર) દ્વારા જાહેર કરાયેલા ગુજરાત ઈલેકશન વોચ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર , 167 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પૈકી 88 જેટલા ઉમેદાવરો આપના છે. તે પછી કોંગ્રેસના 31 અને ભાજપના 14 ઉમેદવારો સામે ગુના દાખલ થયા છે. આપના કુલ 88 ઉમેદવારો પૈકી 26, કોંગીના 89 ઉમેદવારો પૈકી 18 તથા ભાજપના 89 ઉમેદવારો પૈકી 11 અને બીટીપીના 14 ઉમેદવારો પૈકી 1 ઉમેદવારની સામે ગંબીર પ્રકારનો ગુનો દાખલ થયેલા છે. 9 ઉમેદવારો એવા છે કે જેમની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુના દાખલ થયેલા છે. ત્રણ ઉમેદવારો એવા છે કે જેમની સામે હત્યાના તથા 12 ઉમેદવારો એવા છે કે જેમની સામે હત્યાનો પ્રયાસ એવા ગુના દાખલ થયા છે. ભાજપના 79, કોંગીના 65 તથા આપના 33 ઉમેદવારો કરોડપતિ ઉમેદવારો છે. ભાજપના ઉમેદવારો સરેરાશ મિલકત 13.40 કરોડ થવા જાય છે. જયારે કોંગીના ઉમેદવારોની મિલકત 8.38 કરોડ તથા આપના ઉમેદવારોની 1.99 કરોડ થવા જાય છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારોની સંપત્તિ 23.39 કરોડ થવા જાય છે.37 ઉમેદવારો એવા છે કે તેઓ સાવ નિરક્ષર છે, 53 ઉમેદવારોને માત્ર લખતા – વાંચતા આવડે છે. 21 ઉમેદવારો ડિપ્લોમાં હોલ્ડર છે. 185 ઉમેદવારો ગ્રેજયુએટ છે.492 ઉમેદવારો 5થી 12 ધોરણ સુધી ભણેલા છે.