ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારી તથા પ્રચારના ભાગરૂપે ભાજપની (BJP) નેતાગીરી દ્વારા આવતીકાલથી બહુચરાજી તથા દ્વારકાથી ગૌરવ યાત્રાનો આરંભ કરાશે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તેને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. બીજી તરફ ભાજપની નેતાગીરીએ ગૌરવ યાત્રાની કામગીરીમાંથી હાર્દિક પટેલને હટાવ્યા છે.
પહેલા આ જવાબદારીમાં હાર્દિક પટેલ હતા, જો કે હવે તેમાં પૂર્વ ડે. સીએમ નીતિન પટેલની સાથે હવે ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોર પણ સાથે રહેશે. આવતીકાલે સવારે 9 વાગ્યે બહુચરાજીથી માતાના મઢ (12થી 20 ઓકટો.) સુધીની ગૌરવ યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રસ્થાન કરાવશે. તેવી જ રીતે બપોરે 2 વાગ્યે દ્વારકાથી પોરબંદર (12થી 18 ઓકટો.) સુધીની ગૌરવ યાત્રાને પણ નડ્ડા પ્રસ્થાન કરાવશે. જ્યારે તા.13મી ઓકટો.ના રોજ અમદાવાદ જિલ્લામાં ઝાંઝરકા ખાતેથી તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉનાઈ માતા ખાતેથી બે યાત્રાને પ્રસ્થાન કરાવશે.