Gujarat

રાજ્યમાં ધોરણ 6 થી 8નાં ઓફલાઈન વર્ગો શરૂ: વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, કહ્યું- મિત્રોને જોઈ ખૂબજ આનંદ થયો

આશરે દોઢ વર્ષ બાદ ગુજરાતની (Gujarat) શાળાઓમાં બાળકોની હાજરીથી વાતાવરણ ફરી ગૂંજી ઉઠ્યું હતું. ગુરુવાર 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગોનું ઓફલાઈન શિક્ષણ (offline study) કાર્ય શરૂ થયું છે. આજથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં (Primary schools) ધોરણ-6, 7 અને 8માં 50 ટકા હાજરી સાથે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ગુજરાતની 30 હજારથી વધુ શાળાના 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આજથી ફરી શરૂ થયું છે. પહેલાં દિવસે સ્કૂલ પહોંચી બાળકોએ સૌથી પહેલા પોતાના મિત્રોને મળવાની ખુશી વ્યક્ત કરી હતી. વાલીઓનું પણ કહેવું હતું કે આખરે ઓફલાઈન એજ્યુકેશન શરૂ થયું તે ખૂબજ સારી બાબત છે.

રાજ્ય સરકારે અગાઉ ધોરણ 9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે, ત્યારે હવે આજથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. એક તરફ હવે શાળાઓમાં 6 થી 12 ધોરણના વર્ગો ધમધમવા માંડ્યા છે ત્યારે શાળામાં સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આ સાથે શાળાઓએ ઓનલાઈન વર્ગ પણ ચાલુ જ રાખ્યા છે. વાલીઓએ સંમતિપત્ર શાળામાં આપ્યા હતા. એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસે તેવી વ્યવસ્થા કરી શિક્ષણકાર્ય શરૂ કરાયું હતું. મોટાભાગની સ્કૂલોમાં આજે 90 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એક વર્ગમાં 25 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. જોકે મોટાભાગની સ્કૂલોએ રિસેસ આપી ન હતી.

શાળાઓ ખુલવાને કારણે બાળકોએ સૌથી વધુ ખુશી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે ઓનલાઈન એજ્યુકેશનથી ખરેખર કંટાળી ગયા હતા. આખરે આજે ઓફલાઇન એજ્યુકેશન મળી રહ્યું છે તેનાથી આનંદ થાય છે. મિત્રોને મળીને પણ ખુશી થાય છે અને હવે ઓફલાઈન એજ્યુકેશન જ મળે એવી આશા રાખીએ છીએ. કારણકે જે રસ ઓફલાઈન એજ્યુકેશનમાં પડે છે તે ઓનલાઈન એજ્યુકેશનમાં પડતો નથી. હવે અમને કાંઈ નહીં સમજાય તો સીધા શિક્ષકને પૂછી શકીશું.

લાંબા સમયથી વિદ્યાર્થીઓ શાળામાં આવી શક્યા ન હોવાને કારણે પોતાના મિત્રને શાળાના શિક્ષકોને ખૂબ મિસ કરતા હતા. ઓફલાઇન એજ્યુકેશન ઝડપથી શરૂ થાય તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા હતા. સ્કૂલો શરૂ થતાં પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પ્રવેશ કરતાં પહેલા પ્રણામ કર્યા હતાં તેમજ શિક્ષકોને પગે લાગી શિક્ષણની શરૂઆત કરી હતી.

Most Popular

To Top