ગાંધીનગરઃ લાંબા સમયથી શાળામાં ગેરહાજર રહી બેઠો પગાર લેતાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે આજે ગુજરાત શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શિક્ષણ વિભાગે રાજ્યની અલગ અલગ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ નહીં બજાવતા 134 શિક્ષકોને કાયમ માટે ઘરભેગા કરી દીધા છે. એટલે કે નોકરીમાંથી બરતરફ કરી દેવાયા છે.
ગુજરાત શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યભરમાંથી 134 શિક્ષકોને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. ઘર બેઠાં બેઠાં પગાર લેતા શિક્ષકોને ઘરભેગા કરી દેવાયા છે. જાણવા મળ્યા અનુસાર બનાસકાંઠામાં 18, છોટા ઉદેપુરમાં 16 અને અન્ય જિલ્લાઓમાં પણ સસ્પેન્ડ થયેલા શિક્ષકોને બરતરફીના ઓર્ડર પકડાવી દેવાયા છે.
ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થઈ હતી. અનેક શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા નહીં જતા હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી અને રિપોર્ટને પગલે રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તે પૈકી 31 જેટલા શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ લાંબા સમયથી ગેરહાજર છે.
રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.