Gujarat

ગુજરાતના લોકોમાં ઉદ્યોગ સાહસિકતા,ઇનોવેશનની સંસ્કૃતિ સમાયેલી છે : રાષ્ટ્રપતિ

ગાંધીનગર : રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની (Gujarat) મુલાકાતે (Visit) આવેલા દ્રૌપદી મુર્મુએ () આજે આરોગ્ય, પાણી, બંદરો અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે ગાંધીગનરથી રૂ. 1330 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું શિલાન્યાસ-લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. આપ સૌની કુશળતાની પ્રાર્થના કરું છું.’રાષ્ટ્રપતિએ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં થોડો સમય વીતાવવાનો મોકો મળ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન અને આદર્શો માનવતા માટે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય અને તબીબી શિક્ષણ, પાણી પુરવઠા, રસ્તા, સિંચાઈ તથા બંદર વિકાસ જેવી વિવિધ પરિયોજનાઓના અમલીકરણથી ખેડૂતો અને નાના-મોટા વ્યાપારીઓને રોજગારી સહિતની બહુવિધ તકો ઉપલબ્ધ થશે.

ગુજરાતના લોકોમાં ઉદ્યોગ સાહસિકતા અને ઇનોવેશનની સંસ્કૃતિ છે
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યમીઓએ ગુજરાત અને દેશને વિશ્વમાં વિશેષ ઓળખ અપાવી છે. ગુજરાતના લોકોમાં ઉદ્યોગ સાહસિકતા અને ઇનોવેશનની સંસ્કૃતિ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા મહાબંદર પર વિકાસના વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ નવીન પ્રકલ્પોથી કંડલા મહાબંદરની ક્ષમતામાં વધારો થશે અને આ વિસ્તારના વિકાસને વધુ વગે મળશે. દેશના કુલ પોર્ટ કાર્ગો પરિવહનનમાં ગુજરાતના બંદરો ૪૦ ટકા હિસ્સો ધરાવે છે.રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નીતિ આયોગના ૨૦૨૦-૨૧ના ટકાઉ વૈશ્વિક લક્ષ્યાંક અંતર્ગત ‘ગોલ નં.૩-આરોગ્ય અને સુખાકારી’ અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પણ વિશેષ મહત્વ આપ્યું છે.

સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ સુરક્ષા જરૂરી છે
ગુજરાતના સફળ પ્રાકૃતિક કૃષિ પ્રયોગોનો ભારતભરમાં અમલ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીના વિકાસમાં ગુજરાતની સાથે સમગ્ર દેશ જોડાયો છે. દેશની પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાતના ખેડૂતો આજે દેશના કુલ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ફાળો આપી રહ્યાં છે.સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ સુરક્ષા જરૂરી છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, અગાઉ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગી હતી, પરંતુ યોગ્ય જળ વ્યવસ્થાપનના કારણે આજે સરદાર સરોવર કેનાલના ૬૩ હજાર કિલોમીટરના વિશાળ નેટવર્ક દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચ્યું છે. જેના પરિણામે ખેડૂતો સહિત લાખો ગુજરાતીઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. નીતિ આયોગના ‘કમ્પોઝિટ વૉટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ’માં છેલ્લા ત્રણ વર્ષથી જળ વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમ મેળવી રહ્યું છે.



Most Popular

To Top