SURAT

રત્નકલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરો, સુરતના હીરાબજારમાં મેસેજ ફરતા થયા

  • ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્નકલાકારોના આપઘાત અટકાવવા માટે શરૂ કર્યું આપઘાત અટકાવો અભિયાન

સુરત: હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને જે લોકો ને કામ મળે છે તેમના પણ પગાર ઘટાડી દેવામાં આવ્યા છે અને પ્રોડક્શન કાપના કારણે ઘણા કારખાનામાં અઠવાડિયામાં ફરજિયાત બે રજા મળી રહી છે જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. લોનના હપ્તા, મકાનના ભાડા તથા બાળકોની શિક્ષણ ફી સહિત તમામમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રત્નકલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે જેના કારણે કારીગરોને ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને છેલ્લે કારીગરો હારી થાકી અને આપઘાત કરી રહ્યા છે

બેરોજગારી અને આર્થિક તંગીના કારણે હીરાઉદ્યોગમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે જે આપણા સૌને માટે દુઃખદ બાબત છે જેથી હીરાઉદ્યોગમાં આપઘાતના બનાવો નહીં બંને તેમજ રત્નકલાકારોને આપઘાત કરતા રોકવા માટે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજથી એક અભિયાનની શરૂઆત કરાઈ છે જેનું સ્લોગન છે ‘રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો’. આ સાથે જ યુનિયન દ્વારા હેલ્પલાઈન નંબર 9239500009 પણ જાહેર કરાયો છે

16 મહિનામાં 62 રત્નકલાકારોએ આપઘાત કર્યો
સુરત હીરાઉદ્યોગમાં છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું છે ત્યારે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનું પ્રયત્ન કરાયો છે. કપરા સમયમાં રત્નકલાકારોને આર્થિક મદદ કરવા અપીલ કરાઈ છે પરંતુ સરકાર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રા માથી જાગી નથી જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્નકલાકારો જીવ ગુમાવી રહ્યા છે હવે રત્નકલાકારોની સમસ્યાનું સમાધાન નહી કરવામાં આવે તો હજી પરિસ્થિતિ ખૂબ વિકટ થવાની શક્યતા છે

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને મેસેજ આપ્યો
સુરત હીરાઉદ્યોગના રત્નકલાકારોને આપઘાત કરતા અટકાવવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું. યુનિયને રત્નકલાકારોને એક ખાસ અપીલ કરી છે કે આ સમય પણ રહેવાનો નથી. ભાઈઓ તમારા પરિવાર નો માળો વિખાય નહી એ જોજો. કેમ કે લાખો રૂપિયા ની ખોટ ભરપાઈ થઈ જશે પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો એની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પુરાય. તેથી નબળા વિચારોને તિલાંજલી આપો અને તમારે કોઈ તકલીફ હોઈ તો અમને વિના સંકોચે જાણ કરો આ કપરા સમય મા અમે તમારી સાથે છીએ

Most Popular

To Top