Gujarat

વાવાઝોડા બાદ રાજ્યના 547 ગામોમાં હજુ વીજળી પુરવઠો ઠપ

ગાંધીનગરમાં બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં તાઉતે વાવાઝોડાની અસરના પગલે ઉનાળુ પાક, બાગાયતી પાક, વીજળી અને રસ્તાઓ સહિતના ક્ષેત્રને થયેલા નુકસાન મામલે યુદ્ધના ધોરણે સર્વે પૂણ કરાવા તાકિદ કરાઈ હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વાવાઝોડા તેમજ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સંદર્ભમાં લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી.

કેબીનેટની બેઠક બાદ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ‘તાઉતે’ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે. એટલું જ નહિ, આ તીવ્ર વાવાઝોડાને કારણે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકસાન થયું છે ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ ત્વરાએ શરૂ થઇ ગઇ છે

તેમણે કહ્યું હતું કે ગત તા. ૧૭મી મે થી તા.૧૮મી મે એમ સતત ર૪-ર૬ કલાક રર૦ કિ.મી. પ્રતિ કલાકથી માંડી ૬૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફંકાતા પવન સાથે ગુજરાતને ચીરીને આ તીવ્ર વાવાઝોડું પસાર થયું હતું. ”રાજ્ય સરકારના આગોતરા આયોજન અને સમયસૂચકતાને સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી” એમ રૂપાણીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાવાઝોડાના બીજા જ દિવસે તા.૧૯મી મેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા અને રૂ. ૧૦૦૦ કરોડની તત્કાલ સહાય જાહેર કરી તે માટે તેમણે કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં તા.ર૦મી મેથી રિસ્ટોરેશન અને રાહત કામો રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ ત્વરાએ શરૂ કર્યા છે. હવે, રાજ્યમાં તમામ ગામો-રસ્તાઓ પૂર્વવત થયા છે અને કોઇ ગામ ડિસકનેકટેડ રહ્યું નથી. માર્ગ-મકાન વિભાગે માત્ર ૩ જ દિવસમાં માર્ગો પરની આડશો દૂર કરી રસ્તાઓ ચોખ્ખા અને વાહન વ્યવહાર યોગ્ય બનાવ્યા છે

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સૌથી વ્યાપક અસર વીજ ક્ષેત્રને થઇ છે. વીજ થાંભલાઓ, વાયર, વીજ સબસ્ટેશનોને થયેલા નુકસાનને કારણે રાજ્યમાં ૧૦૪૪૭ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી. આ ગામોમાંથી લગભગ બધા ગામોમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. માત્ર ૪૫૦ ગામોમાં વીજપુરવઠો હવે શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.

વીજ ક્ષેત્રે થયેલા નુકસાન અંગે તેમણે જણાવ્યું હતું કે આ વાવાઝોડાને કારણે વીજ કંપનીઓના રર૦ કે.વી.ના સબસ્ટેશનને થયેલા નુકસાનની મરામત માટે, પાવરગ્રીડ સમારકામ માટે કલકત્તાથી હવાઇ માર્ગે વિશેષ ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે. માત્ર અમરેલી જિલ્લામાં ૬૦૦થી વધુ ટીમ વીજળી પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે. રાજ્યમાં મોટા નગરોમાં હવે માત્ર જાફરાબાદ નગરમાં વીજપુરવઠો શરૂ થવાનો બાકી છે તે પણ તા.ર૮મી મે સુધીમાં શરૂ કરી દેવાશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સવા બે લાખ લોકોને ૧૦ કરોડ રૂપિયા જેટલી કેશડોલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવી છે. એટલું જ નહિ, ૧પ હજાર જેટલા પરિવારોને પરિવાર દિઠ ૭ હજારની ઘરવખરી સહાય અપાઇ છે. આ કામગીરી પણ આગામી રવિવાર સુધીમાં પુર્ણ થઇ જશે. મકાનોનો સંપૂર્ણ નાશ, અંશત: નુકસાન કે ૩૩ ટકાથી વધુ નુકસાન માટે અને ઝૂંપડાને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે ૯પ,૧૦૦, રપ હજાર અને ૧૦ હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ થઇ છે.

બાગાયતી પાકને વ્યાપક
વાવાઝોડાને કારણે ખેતીવાડી ખાસ કરીને બાગાયતી પાકો નાળિયેરી, આંબા, લીંબુના ઝાડ ધ્વસ્ત થયા છે તેનો વ્યાપક સર્વે હાથ ધરાઇ રહ્યો છે. રાજ્ય સરકારે એક નવતર અભિગમ અપનાવી પ્રથમવાર સવાસોથી વધુ કૃષિ વૈજ્ઞાનિકોને આવા બાગાયતી પાકોના વૃક્ષો ધરાશાયી થયા છે તેને તે જ સ્થળે પૂન: સ્થાપના, ફરી વાવેતર માટેની સંભાવના ચકાસી ખેડૂતોને માર્ગદર્શન આપવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા છે.

આ કૃષિ વૈજ્ઞાનિકોના સર્વે બાદ તેમની સાથે જોઇન્ટ મિટીંગ કરીને તેના આધારે ખેતીવાડી વિભાગ એકશન પ્લાન તૈયાર કરશે. ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારોમાં જ્યાં મોટા પાયે આવા બાગાયતી પાકો સહિતના ઝાડ ધરાશાયી થઇ ગયા છે ત્યાં ‘ઝાડ પડી ગયું છે ત્યાં જ ફરી ઝાડ ઉગાડવા’ના અભિગમ સાથે જાપાનીઝ થીયરી કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થીયરી અપનાવી આ વર્ષના વન મહોત્સવમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાશે અને તે અંગેનો એકશન પ્લાન પણ સંબંધિત વિભાગો બનાવશે.

Most Popular

To Top